શ્રીનગરઃ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પંચની રચનાથી રાજકીય ગરમાવો ફરી વધી રહ્યો છે. ભાજપ અને પેન્થર્સ પાર્ટી આને યોગ્ય પગલું માની રહી છે, પણ અન્ય પાર્ટીઓ એનો વિરોધ શરૂ કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ગયા સોમવારે જ રાજ્યના પ્રસ્તાવિત સીમાંકન પંચ માટે સુશીલ ચંદ્રાની નિમણૂક કરી છે. જમ્મુ-કાશ્મીરને અલગ કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યા પછી હવે ત્યાં સીમાંકનનું કાર્ય શરૂ થશે. આના માટે સીમાંકન પંચની રચના કરાશે અને સુશીલ ચંદ્રા ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરશે.
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ મુજબ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં સીમાંકનના ફેરઆંકલન બાદ સાત બેઠકોને વધારવામાં આવશે. પાછલા વર્ષે ઓગસ્ટમાં સંસદ દ્વારા જમ્મ-કાશ્મીર વિધાનસભામાં 87 ચૂંટાયેલા સભ્યો સિવાય બે નામાંકિત મહિલા વિધાનસભ્યો રહેતી હતી. આ સિવાય 24 બેઠક જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ગુલામ કાશ્મીરના ક્વોટામાં ખાલી રહેતી હતી. આ અંગે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રો. સૈફુદ્દીન સોઝે કહ્યું હતું કે કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર રાજ્યમાં વિધાનસભાની રચના પછી જ સીમાંકન થવું જોઈએ.પેન્થર્સ પાર્ટીના રાજ્યપ્રધાન બલવંત સિંહ મનકોટિયાએ કહ્યું હતું કે સીમાંકન પંચમાં જે એક સભ્ય જમ્મુ-કાશ્મીરનો નિયુક્ત કરવામાં આવે. તે બિનરાજકીય અને સારી છબિ ધરાવતો હોવો જોઈએ. પંચનો સભ્ય જનસંપર્ક કરીને ક્ષેત્રની વસતિ અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અહેવાલ તૈયાર કરે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ કહ્યું હતું કે જમ્મુને રાજકીય કારણોસર નબળું રાખવા માટે ષડયંત્ર થતાં આવ્યાં છે. આવામાં વિધાનસભાની બેઠકોનું સમીંકન થવાથી જમ્મુ પ્રદેશને ન્યાય મળશે. પીડીપીના વરિષ્ઠ નેતા વેદ મહાજને સીમાંકન પંચની રચના કરવાના પગલાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું હતું કે વિધાનસભાની સીટોનું સીમાંકન થવાથી લોકોની આકાંક્ષાઓ પૂરી થશે.
(નકશો માત્ર સમજૂતી માટે છે)