જમ્મુકશ્મીર- હિજબૂલ મુજાહિદ્દીનના આતંકીઓને કશ્મીર ઘાટીમાં મોટાપાયે ફંડિગ કરવાવાળા જમાત એ ઇસ્લામી પર વ્યાપક કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જમાત એ ઇસ્લામીના ઘણાં આગેવાનોને પકડી લેવામાં આવ્યાં છે. સાથે જ જમ્મુ-કશ્મીરમાં તેમણે જમાવેલી 52 કરોડ રુપિયાથી વધુના મૂલ્યની સંપત્તિ સીલ કરવામાં આવી છે.
જમાત એ ઇસ્લામીના કુલ 70થી વધુ સંકુલની ઓળખ કરી લેવામાં આવી છે. સંપત્તિ સીલ કરવાની કાર્યવાહી UAPA પ્રોપર્ટી અને એસેટ્સ પ્રોવિઝન હેઠળ કરવામાં આવી રહી છે.
જમાતે ઇસ્લામીની કેટલીક સંસ્થાઓની ઓળખ કરવામાં આવી છે તેમાં કેટલીય શૈક્ષણિક સંસ્થાઓ, ઓફિસો અને શાળાઓનો સમાવેશ થાય છે.આ પહેલાં પણ જમાત એ ઇસ્લામી સંગઠનની ગતિવિધિઓને પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. પ્રથમવાર જમ્મુકશ્મીર સરકારે આ 1975માં બે વર્ષ માટે આ સંગઠનને પ્રતિબંધિત કર્યું હતું. જ્યારે બીજી વખત કેન્દ્ર સરકારે 1990થી 1993 સુધી પ્રતિબંધ મૂક્યો હતો.
થોડા સમય પહેલાં એ માહિતી બહાર આવી હતી કે જમાત એ ઈસ્લામી સંગઠન હિઝબૂલ મુજાહિદ્દીનના આતંકીઓને કશ્મીર ઘાટીમાં મોટાપાયા પર ફંડિગ કરે છે.આ જાણકારીના પગલે ગૃહમંત્રાલયની કેબિનેટ કમિટી ઓન સિક્યૂરિટી-સીસીએસમાં નિર્ણય લઇને જમાત એ ઇસ્લામી પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
જમાત એ ઇસ્લામી જમ્મુકશ્મીરની મિલિટન્ટ વિંગ છે જે આ વિસ્તારમાં અલગતાવાદી વિચારધારા અને આંતકવાદી માનસિકતાના પ્રસાર માટે મુખ્ય જવાબદાર સંગઠન છે. આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનને જમાત એ ઇસ્લામીએ ઊભું કર્યું છે, અને તેને દરેક પ્રકારની મદદ કરે છે.પાકિસ્તાનના પીઠબળમાં ટ્રેનિંગ લેતાં આતંકીને ફંડિગ કરવું શરણ આપવું, આવવાજવાની સુવિધા ઉપલબ્ધ કરવા જેવા કામ જમાત એ ઇસ્લામી કરી રહ્યું છે. ભારત વિરોધી ગતિવિધિઓમાં ભરપુર સમર્થન આપે છે.