જમ્મૂ-કાશ્મીરઃ સુરક્ષા દળને જમ્મૂ અને કાશ્મીરના પુલવામામાં ગુરૂવાર સવારે થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર ખાલિદ સહિત ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. દલીપોરા વિસતારમાં સવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળનો એક જવાન પણ શહીદ થયો છે. સાથે જ એક નાગરીકનું પણ મોત થયું છે. માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાં સામેલ જૈશ કમાન્ડર ખાલિદ 2017ના લેથપોરા હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. આ ઉપરાંત સેનાના બે જવાન સહિત ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. એન્કાઉન્ટર બાદ અથડામણ અને પ્રદર્શનના કારણે પુલવામામાં સુરક્ષાને ધ્યાનમાં રાખી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
એક પોલીસ અધિકારીએ જમાવ્યું કે, એન્કાઉન્ટરના શરૂઆતના તબક્કામાં ત્રણ સૈનિકો અને બે ભાઇઓ મોહમ્મદ યૂનિસ ડાર અને રઇસ અહમદ ડાર ઘાયલ થઇ ગયા હતા. અધિકારીએ કહ્યું કે, રઇસનું સ્થળ પર જ મોત થયું છે. જ્યારે તેના ભાઇ યૂનિસને પાસેની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જ્યાંથી તેને વધુ સારવાર માટે શ્રીનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અધિકારીએ કહ્યું કે, ઘાયલ જવાનોને સેનાના 92 બેસ હોસ્પિટલ બાદામીબાગ શ્રીનગર લઇ જવામાં આવ્યા છે. જ્યાં એક જવાનનું મોત થયું છે. ઘાયલ સૈનિકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. માર્યા ગેયલા આતંકીઓના મૃતદેહની સાથે હથિયાર અને દારૂગોળો પણ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યો છે. અધિકારીએ માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કર્મબીદ પુલવામાના નસીર પંડિત, બેતિયાપોરા શોપિયાંના ઉમર મીર અને પાકિસ્તાનના ખાલિદ ભાઇના રૂપમાં કરી છે. માર્યા ગયેલા આતંકી જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનથી સંબંધિત હતા. પોલીસ સૂત્રોએ કહ્યું કે, ખાલિદ છેલ્લા આઠ વર્ષથી કાશ્મીરમાં સક્રિય હતો અને તેને ઠાર માર્યો તે એક મોટી સફળતા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, જૈશ સંગઠનનો ટોપ કમાન્ડર ખાલિદ 2017માં લેથપોરામાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા ફિદાયીન હુમલામાં સામેલ હતો. આ હુમલામાં પાંચ સીઆરપીએફના જવાન શહીદ થયા હતા. ખાલિદને હુમલાનો માસ્ટરમાઇન્ડ જણાવવામાં આવી રહ્યો છે. પોલીસે કહ્યું કે, આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની જાણકારી મળ્યા બાદ એન્કાઉન્ટર શુરૂ થયું હતું. પોલીસે કહ્યું કે, પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ પર છુપાયેલા આતંકવાદીઓએ ત્યારે ફાયરિંગ કર્યું જ્યારે દલીપોરા ગામમાં એક ઘરને ઘેરવામાં આવ્યું અને તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.