જયપુરઃ સીઆઈએસએફ જવાન જીતેન્દ્રસિંહના લગ્ન રાજસ્થાનના જયપુરમાં ધૂમધામથી થઇ રહ્યાં હતાં. લગ્નવિધિ દરમિયાનની ટીકાની રસમ કરવા નવવધૂના પિતાએ જ્યારે વરરાજાને 11 લાખ રૂપિયાનો થાળ આપ્યો ત્યારે વરરાજા જીતેન્દ્રસિંહે હાથ જોડીને પરત કરી દીધી. તેમના આ કાર્યના ચોમેર વખાણ થઈ રહ્યાં છે. સીઆઈએસએફ જવાન જીતેન્દ્ર સિંહ ઈચ્છે છે કે ભારતમાં દહેજ પ્રથા નાબૂદ કરવામાં આવે. જીતેન્દ્રના પિતા રાજેન્દ્રસિંહ પુત્રવધૂને આગળ ભણાવવા માગે છે અને અધિકારી બનાવવા માગે છે. તમને જણાવી દઈએ કે, જીતેન્દ્રની નવવધૂ ચંચલ એલએલબી અને એલએલએમ ગ્રેજ્યુએટ છે અને પીએચડી કરી રહી છે.
વરરાજાના પિતા રાજેન્દ્રસિંહે કહ્યું કે, અમે 11 લાખ પાછા આપીને અમારા સ્તરે સમાજના આ દૂષણને નાબૂદ કરવા માટે નાનો પ્રયાસ કર્યો છે. મારી વહુ મારી દીકરી જેવી જ છે. તેના ગુણો આપણું દહેજ છે. અમે ઇચ્છીએ છીએ કે તે ઘણો અભ્યાસ કરે અને તેનું લક્ષ્ય પ્રાપ્ત કરે. મારો આખો પરિવાર ચંચલને ભણાવવા માગે છે. હું સમાજના તમામ પરિવારોને કહેવા માગુ છું કે તમારે પણ તમારા બાળકોની જેમ પુત્રવધૂને સમાન તકો આપવી જોઈએ. વહુ પણ તમારા પરિવારનું નામ રોશન કરી શકે છે.
વરરાજા જીતેન્દ્રસિંહે કહ્યું કે, દેશના સૈનિક તરીકે હું કહેવા માંગુ છું કે દેશના યુવાનોએ દહેજને નકારી કાઢવું જોઈએ અને તેનો વિરોધ કરવો જોઈએ. દહેજને કારણે લોકો પોતાની દીકરીઓને મારી નાંખે છે. જો દેશના યુવાનો એક પગલું આગળ વધે તો તે તેને રોકવામાં સફળ થશે. દીકરા અને દીકરીમાં ભેદ ન રાખવો. પુત્રવધૂને ભણાવો અને તેમને વધુ શિક્ષિત કરો.
જીતેન્દ્ર અને ચંચલે 8 નવેમ્બરના રોજ લગ્ન કર્યા. નવવધૂના પિતા ગોવિંદસિંહ શેખાવતે કહ્યું કે, તેઓએ રુપિયા પાછાં આપતાંની સાથે હું ગભરાઈ ગયો હતો. મેં પહેલાં વિચાર્યું હતું કે વરરાજાના પરિવાર લગ્નની વ્યવસ્થાઓથી નાખુશ તો નથી. પરંતુ પછીથી અમને ખબર પડી કે પરિવાર દહેજની સખત વિરુદ્ધમાં હતો ”