અમરનાથ યાત્રાળુઓ માટે પ્રશાસને બહાર પાડ્યાં સલાહ-સૂચન

શ્રીનગરઃ આ વર્ષની અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે અને રક્ષાબંધનના દિવસ 11 ઓગસ્ટે પૂરી થશે. તે 43 દિવસની રહેશે. આ યાત્રામાં સામેલ થનાર શ્રદ્ધાળુઓ માટે જમ્મુ અને કશ્મીર પ્રશાસને અમુક સલાહ-સૂચનોની યાદી બહાર પાડી છે, જેનો તેમણે ખ્યાલ રાખવાનો રહેશે. જો યાત્રાળુઓ એનું બરાબર રીતે પાલન કરશે તો યાત્રા દરમિયાન એમનું સ્વાસ્થ્ય બગડશે નહીં.

યાત્રાળુઓને સલાહ અપાઈ છે કે એમણે દરરોજ સવારે મોર્નિંગ વોક કરવું અને ઊંડા શ્વાસ લેવાની ક્રિયા કરવી જેથી ઊંચાઈ પરના સ્થળોએ તેઓ શારીરિક રીતે સ્વસ્થ રહી શકે.

ઉત્તરાખંડમાં ગઈ 3 મેથી શરૂ થયેલી ચારધામ યાત્રા દરમિયાન હૃદયરોગના હુમલા, પહાડી વિસ્તારમાં રહેવાથી માંદગી થવાથી તથા અન્ય કારણોસર 90થી વધારે લોકોનાં જાન ગુમાયાની બાબતને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હાના મુખ્ય સચિવ નીતિશ્વર કુમારે યાત્રાળુઓએ યાત્રા દરમિયાન ‘શું કરવું અને શું ન કરવું’ એની યાદી બહાર પાડી છે. એમણે કહ્યું છે કે યાત્રાળુઓએ એમનાં વસ્ત્રો અને ખાદ્યપદાર્થોને હૂંફાળા જ રાખવા, જેથી તે હાઈડ્રેટ ન થાય.