CM હેમંત સોરેનના PAના ઘરે IT વિભાગના દરોડા

રાંચીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં થોડાક જ દિવસનો સમય બાકી છે, ત્યારે CM હેમંત સોરેનના પર્સનલ સચિવ (PA) સુનીલ શ્રીવાસ્તવના નિવાસસ્થાને તથા તેમની સાથે જોડાયેલા લોકોને આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા રાંચીમાં સાત તથા જમશેદપુરમાં નવ સ્થળોએ ચાલી રહ્યા હોવાની માહિતી મળી છે. આ દરોડાને ચૂંટણી સાથે સાંકળીને જોવામાં આવે છે. ઇન્કમ ટેક્સ વિભાગને સૂચના છે  કે હવાલાના માધ્યમથી રૂપિયાની લેણદેણ થઈ છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાંચીમાં ITની મોટી કાર્યવાહી થઈ હતી. CM હેમંત સોરેનના પર્સનલ સેક્રેટરી રાંચીના અશોકનગરમાં રહે છે. સુનીલ શ્રીવાસ્તવ CM હેમંત સોરેનના અંગત સચિવ હોવાની સાથે જ ઝારખંડ મુક્તિ મોરચાના કેન્દ્રીય સમિતિના સભ્ય અને પાર્ટીના સ્ટાર પ્રચારક પણ છે.

આ પહેલા 14 ઓક્ટોબરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હેમંત સરકારના કેબિનેટ મંત્રીના ભાઈના ઘરે દરોડા પાડ્યા હતા. EDએ જલ જીવન મિશનમાં થયેલા કૌભાંડના સંબંધમાં સોરેન સરકારના કેબિનેટ મંત્રી મિથલેશ ઠાકુરના ભાઈ વિનય ઠાકુર, ખાનગી સચિવ હરેન્દ્ર સિંહ અને વિભાગના અનેક એન્જિનિયરોના ઘર પર દરોડા પાડ્યા હતા.

ઝારખંડમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણીને આડે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે, તે પહેલા આવકવેરા વિભાગે મુખ્યમંત્રીના ખાનગી સચિવના પરિસરમાં દરોડા પાડ્યા છે. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરે અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 23મી નવેમ્બરે આવશે.