ચંદ્રયાન-2 પરથી આપણી પૃથ્વી આવી દેખાય છે; એના કેમેરાએ ઝડપી છે આ તસવીરો

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ) – ભારતે ચંદ્ર ગૃહની ધરતી પરના અભ્યાસ માટે ગઈ 22 જુલાઈએ અંતરિક્ષમાં મોકલેલા અવકાશયાન ચંદ્રયાન-2ના LI4 કેમેરાએ પૃથ્વી ગ્રહની અમુક તસવીરો મોકલી છે, જેને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISROએ તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી છે.

ચંદ્રયાન-2 ચંદ્રમા પર પહોંચવા માટે અગ્રસર છે અને એની તરફની સફર દરમિયાન પૃથ્વીની ચાર કક્ષાને પાર કરી ચૂક્યું છે. ચંદ્રયાન-2 એવી કુલ પાંચ કક્ષાને બદલીને ચંદ્ર સુધી પહોંચશે.

ચંદ્રયાન-2ને લોન્ચ કરાયું ત્યારથી એ શું તસવીરો મોકલાવે છે એ વિશે ભારતનાં લોકો આતુર છે. ઈસરોએ ચંદ્રયાન-2એ મોકલેલી પાંચ તસવીરોને અપલોડ કરી છે. ચંદ્રયાન-2ની નજરે પૃથ્વી લીલા અને ભૂરા રંગનો ગ્રહ છે.

ઈસરોએ આ તસવીરો પોસ્ટ કર્યા બાદ ટ્વિટર યુઝર્સ ખુશીથી ઝૂમી ઉઠ્યાં છે અને ચંદ્રયાન-2ની કામગીરીને બિરદાવતાં ટ્વીટ્સ કર્યાં છે.

એક જણે લખ્યું છે કે ‘ઈસરો તરફથી 1.3 અબજ લોકો માટે આ શ્રેષ્ઠ ગિફ્ટ છે.’

તો અન્ય એક જણે લખ્યું છે કે ‘પૃથ્વી કેટલી સુંદર દેખાય છે હું તો એકદમ ક્રેઝી થઈ ગયો છું.’

બીજા એક જણે લખ્યું છે કે ‘વાઉ… અદ્દભુત. ઈસરોનો આભાર.’