આ મહિલા ઓફિસરને ત્યાં એસીબીના દરોડા, મળી આવી કરોડોની સંપત્તિ

ઉદયપુર- રાજસ્થાનના ઉદયપુરમાં આદિવાસી વિસ્તાર વિકાસ નિગમમાં નાણાકીય સલાહકારના પદ પર નિયૂક્ત ભારતી રાજના ઘર પર એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે દરોડા પાડ્યાં હતાં. દરોડા દરમિયાન કરોડો રૂપિયાની સંપત્તિની ચોંકાવનારી જાણકારી સામે આવી છે. ટીમે બુધવારે ઉદયપુર સ્થિત તેમના કાર્યાલય અને ઘર સહિત અલગ અલગ સાત સ્થળો પર દરોડા પાડ્યાં હતાં.

આ દરમિયાન ભારતીના ચાર બેંક એકાઉન્ટમં 1.03 કરોડ રૂપિયા, ભૂવાણા સ્કીમમાં 500 સ્કવેર ફૂટનો પ્લોટ, પિછોલા તળાવની બાજુમાં ત્રણ માળની હોટલ, રિકો ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બે શોરૂમ હોવાની જાણકારી સામે આવી. આ ઉપરાંત કેનરા બેંક, એસબીઆઈ, બેંક ઓફ વડોદરામાં ચાર લોકર અંગે પણ જાણકારી મળી છે.

એસીબીની ટીમે ભારતીના પિતા હરીશચંદ્રનું બિકાનેર સ્થિત મકાનની તપાસ કરી, આ દરમિયાન 92 લાખની ફિક્સ ડિપોઝિટ, બે દુકાન, બે પ્લોટ, 8 બેંક એકાઉન્ટ અને યૂપીમાં જમીન હોવાના દસ્તાવેજ મળી આવ્યા. પિતાની પાસે 50 લાખ રૂપિયાના બે વિદેશી રોકાણના દસ્તાવેજની સાથે 250 ડોલર અને 50 યૂરો પણ જપ્ત કરવામાં આવ્યાં.

છેલ્લા 10 વર્ષમાં 21 વિદેશ યાત્રા

તપાસ દરમિયાન ભારતી રાજની વિદેશ યાત્રા અંગેની માહિતી પણ મળી હતી. ભારતીએ છેલ્લા 10 વર્ષમાં 21 વિદેશ યાત્રાઓ કરી, જેમાં સ્વિટ્ઝરલેન્ડ, જાપાન, ઈટલી, ફ્રાંસ, ન્યૂઝિલેન્ડ વગેરે સામેલ છે. આ વિદેશ પ્રવાસો પર ભારતીએ 20 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવના પુરાવાઓ પણ મળ્યા છે.

બેંકના લોકરમાંથી મળી 30 લાખની ડાયમંડ જ્વેલરી

ભારતીના નામે કેનરા બેંકના લોકરમાંથી 30 લાખ રૂપિયાની ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી હાથ લાગી. એસીબીના ડાયરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીએ જણાવ્યું કે, સાત ટીમોએ નાણાકીય સલાહકાર ભારતી રાજના નવરત્ન પરિસર ઉદયપુર સ્થિત ઘર, નગણેચ્યી સ્કીમ ઉદયપુર, પવનપુરી બિકાનેર સ્થિત ઘર, અને તેમની ઓફિસ પર દરોડા પાડ્યા હતાં.

ઉદયપુરમાં એકાઉન્ટ ઓફિસરના ઘરે પણ દરોડા

આ ઉપરાંત યૂઆઈટી ઉદયપુરમાં સીનિયર એકાઉન્ટ ઓફિસર રેમશ બાવરીના ઉદયપુર સ્થિત ઘર, તેમની ઓફિસની સાથે જયપુરના ચાંદપોલ સ્થિત પૈતૃક આવાસ પર દરોડા પાડ્યા. બાવરી પાસેથી 15 વીઘા જમીન, જયપુરમાં બે પ્લોટ, ઉદયપુરમાં ઘર અને સ્કુલની સાથે પ્લોટ અને દુકાનના દસ્તાવેજ મળ્યાં. એસીબીએ બંન્ને અધિકારીઓ વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિ રાખવાનો ગુનો નોંધ્યો છે.