નવી દિલ્હીઃ ગઈ 9 માર્ચે ભારતમાંથી દારૂગોળા વગરની એક સુપરસોનિક મિસાઈલ ભૂલથી લોન્ચ થઈ ગઈ હતી અને તે પાકિસ્તાનની ધરતી પર પડી હતી. તે ઘટના માટે લાપરવાહ અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશે તે નક્કી છે. એ અધિકારીઓ સામે મુકદ્દમો ચલાવવામાં આવ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, બ્રહ્મોસ મિસાઈલ યુનિટના એક કમાન્ડિંગ ઓફિસર પણ આ સંચાલન-ભૂલ માટે જવાબદાર હોવાનું મનાય છે. તે અભૂતપૂર્વ ઘટનાની તપાસ કરવા માટે રચાયેલી કોર્ટ ઓફ ઈન્ક્વાયરીમાં માલૂમ પડ્યું છે કે કમાન્ડિંગ ઓફિસર ઉપરાંત બીજા અમુક અધિકારીઓ પણ આ લાપરવાહી માટે જવાબદાર છે. અધિકારીઓના નામ જાહેર કરાયા નથી.
ગઈ 9 માર્ચે ભારતીય હવાઈદળ મથકમાંથી એક મિસાઈલ અકસ્માતપણે છૂટી ગઈ હતી અને તે 124 કિલોમીટરનું અંતર પાર કરીને પાકિસ્તાનની ધરતી પર મિયાં ચુન્નુ વિસ્તારમાં જઈને પડી હતી. સદ્દભાગ્યે તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા થઈ નહોતી.