નવી દિલ્હી- ડોકલામમાં ગત વર્ષે ભારત અને ચીન વચ્ચે થયેલા ગતિરોધ બાદ ફરી એકવાર ચીનની અવળચંડાઈ સામે આવી છે. જેને લઈને ભારતે ચીનને સીમા વિવાદને લઈને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. ભારતે ચીનને કહ્યું છે કે, સંવેદનશીલ સરહદને લઈને ચીન યથાસ્થિતિ જાળવી રાખે. સરહદમાં નવો કોઈ જ બદલાવ કરવામાં આવશે નહીં.ચીનમાં ભરાતના રાજદૂત ગૌતમ બમ્બાવાલાએ જણાવ્યું કે, ડોકલામમાં ગતિરોધના મુદ્દાને વધારીને રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે ભારત તરફથી એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે, વર્તમાન સરહદની સ્થિતિમાં કોઈ જ બદલાવ કરવામાં આવશે નહીં.
ચીનના સરકારી અખબારને આપેલી મુલાકાતમાં ભારતીય રાજદૂતે CPEC મુદ્દે પણ ચીનને ચર્ચાનું નિમંત્રણ આપ્યું હતું. ગૌતમ બમ્બાવાલાએ કહ્યું કે, 50 અબજ ડોલરના ખર્ચે નિર્માણ થનારા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર (CPEC) સહિત અન્ય સરહદી મુદ્દાના સમાધાન માટે ભારત અને ચીને ચર્ચાથી સમાધાન લાવવા પ્રયાસ કરવો જોઈએ.
ડોકલામ મુદ્દાને લઈને બન્ને દેશોના સંબંધોમાં કડવાશ આવી રહી હોવાની વાત અંગે ભારતીય રજદૂતે જણાવ્યું કે, ‘મીડિયા આ વાતને વધારીને રજૂ કરી રહી છે. સંબંધોમાં આવતા આવા નાના-મોટા અવરોધને પાર પાડવા ભારત અને ચીનના નેતાઓ ચર્ચા કરશે ઉપરાંત અમારો અનુભવ પણ આ માટે કામ આવશે.’
આપને જણાવી દઈએ કે, ગત વર્ષે ડોકલામના વિવાદીત વિસ્તારમાં ચીનની સેનાએ રસ્તાનું નિર્માણકાર્ય શરુ કર્યું હતું. જેને ભારતીય સેનાએ અટકાવ્યું હતું. જેના લીધે બન્ને દેશ વચ્ચે ગતિરોધ ઉભો થયો હતો અને ભારતીય સેનાના એક્શન બાદ 70થી વધુ દિવસ બન્ને દેશના સૈનિકો સામસામે આવી ગયા હતાં. ત્યારબાદ સમાધાનના ભાગરુપે ચીને ડોકલામમાંથી પાછળ હટવાનો નિર્ણય કર્યો હતો. જોકે ફરી એકવાર ચીન આ વિસ્તારમાં ઘુસણખોરી કરી રહ્યું હોવાના સમાચાર મળી રહ્યાં છે.