જ્યોતિષીઓ કહે છે કે આ જ મહિને કોરોના ખતમ થશે

મુંબઈઃ જ્યારે પણ ક્રૂર ગ્રહો બળવાન બનતા હોય છે અને સૌમ્ય ગ્રહો નબળા પડી જતા હોય છે ત્યારે દુનિયામાં કુદરતી આફતો, મહાબીમારી કે મહાયુદ્ધ જેવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. હાલ કોરોના વાઈરસ રોગચાળાનો પ્રકોપ દુનિયાભરમાં ફેલાઈ ગયો છે.

જ્યોતિષી દ્રષ્ટિકોણથી કોરોનાનો પ્રકોપ પૃથ્વી પર ક્રૂર ગ્રહોના સંયોજનનું પરિણામ છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ (બૃહસ્પતિ) ગ્રહને જીવનના કારક ગ્રહ તરીકે માનવામાં આવે છે અને રાહુ-કેતુને ચેપ, વાયરસજન્ય રોગો અને છૂપા રોગોના કારક માનવામાં આવે છે. ભારતીય જ્યોતિષીઓના મતાનુસાર, જ્યારે ગુરુની સાથે રાહુ કે કેતુ ગ્રહની યુતિ બને છે ત્યારે આવી બીમારીઓ ફેલાય છે, જેનો સામનો કરવાનું કે એનો ઈલાજ કરવાનું બહુ મુશ્કેલ બની જાય છે.

આ રીતે થઈ કોરોનાની શરૂઆત

જ્યોતિષાચાર્ય પંડિત ડો. રવિ શર્માનું કહેવું છે કે 2019ની 6 માર્ચે ધન રાશીમાં કેતુનો પ્રવેશ થયો હતો. ત્યારબાદ 4 વેંબર, 2019ના રોજ ગુરુએ ધન રાશીમાં પ્રવેશ કર્યો હતો. કેતુ અને ગુરુ એક સાથે ધન રાશીમાં આવ્યા એટલે ચીનમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો – 17 નવેંબર, 2019માં. ત્યારબાદ 26 ડિસેંબરે, 2019ના રોજ વર્ષનું આખરી સૂર્યગ્રહણ હતું.

સૂર્યગ્રહણના તે દિવસનો યોગ ષડગ્રહી માનવામાં આવ્યો હતો. સૂર્ય, ચંદ્ર, ગુરુ, શનિ, બુધ અને કેતુ એક જ રાશીમાં ભેગા થયા હતા અને સાથોસાથ, સૂર્યગ્રહણ પણ થતાં વિશ્વ માટે તે અશુભ સંકેત હતો. એ જ યોગને કારણે વાઈરસ વૈશ્વિક મહામારી બની ગયો. એના 14 દિવસ બાદ નવા વર્ષમાં આવ્યું હતું ચંદ્રગ્રહણ. એ પણ શુભ ફળ આપનારું નહોતું. એ પણ રાહુ-કેતુથી પીડિત હતું. શાસ્ત્રોના જણાવ્યાનુસાર, સૂર્ય, ચંદ્ર, ગુરુ નબળા પડે તો સંસારમાં પ્રલય જેવી સ્થિતિ ઉદ્દભવે છે.

ત્યારબાદ 23 માર્ચે મંગળ ગ્રહે મકર રાશીમાં પ્રવેશ કર્યો. જ્યારે શનિ, ગુરુ પહેલેથી જ એ રાશીમાં હાજર હતા. આ ત્રણ ગ્રહો એક જ રાશીમાં ભેગા થયા એ શુભકારક નહોતું. એને કારણે કોરોના વાઈરસનો ચેપ ઉગ્ર બન્યો અને ફેલાતો જ ગયો. ગુરુ, મંગળ અને શનિની મકર રાશીમાં બનેલી યુતિનો જ એ પ્રભાવ હતો. એ વખતે આદ્રા નક્ષત્રમાં રાહુલ ગોચર હતો. આદ્રા પ્રલયનો નક્ષત્ર ગણાય છે. તેથી 20 મે, 2020 સુધી આ આદ્રા અને ગુરુનો ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવવાથી કોરોનાનું સંકટ બની રહેશે.

મે મહિનાથી ચેપમાં રાહત મળશે, સપ્ટેંબર સુધી અસર રહેશે

જ્યોતિષાચાર્ય પંડિત સુરેશ શાસ્ત્રીનું માનવું છે કે ગ્રહોની ચાલ બતાવે છે કે કોરોના બીમારી આવતા 3-7 મહિના સુધી ભારત સહિત દુનિયાના મોટા ભાગના દેશોમાં રહેશે. જોકે 13 એપ્રિલે સૂર્ય મીન રાશીમાંથી એની ઉચ્ચ મેષ રાશીમાં પ્રવેશ્યા બાદ વાઈરસમાં થોડીક રાહત જરૂર થઈ છે. 4 મેએ મંગળ ગ્રહ પણ પોતાની રાશીને બદલીને કુંભ રાશીમાં પ્રવેશ કરશે. ગુરુ અને શનિની સાથે મંગળની યુતિનો અંત આવશે અને ભારતની પ્રભાવ રાશી મકરમાંથી નીકળી ગયા બાદ ભારતને ઘણી રાહત મળશે. પાંચ મેથી કોરોનાની અસર ક્ષીણ થતી જણાશે. જોકે એની અસર સપ્ટેંબર સુધી રહેશે. 11 મેએ ગુરુ વક્રી થયા બાદ ચેપની અસર વધારે નબળી પડશે. 20 મેએ રાહુલ પણ નક્ષત્ર બદલશે અને ત્યારથી જ વાઈરસનો ચેપ વધુ ઓછો થશે. સૂર્ય પણ ભાદ્રપદા નક્ષત્રમાંથી પસાર થઈ રહ્યો છે. સૂર્ય આ સૌર મંડળમાં ઊર્જાનો સ્ત્રોત છે. એટલે જ ઘણા દર્દીઓ સાજા થઈ રહ્યા છે. સૂર્યની આ સ્થિતિને કારણે જ ચિકિત્સાના ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ મળી શકે છે. 24 જાન્યુઆરીની અમાસે સૂર્ય એના શત્રુ શનિની મકર રાશીમાં આવ્યો હતો તે પણ શુભ સંકેત નહોતો. શનિ ગ્રહ રાશી બદલે એટલે એપ્રિલના અંત પછી જ કોરોનાથી મુક્તિ મળી શકશે.

શુક્ર ગ્રહ કલ્યાણ કરશે

પંડિત અક્ષય શાસ્ત્રીના જણાવ્યા મુજબ, જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને અવશેષોનો કારક માનવામાં આવ્યો છે. તે અવશેષો કોઈ પણ આકારમાં હોઈ શકે છે, પછી એ અણુથી પણ નાના હોય કે મોટા કદના પણ હોય. આ પ્રકારના વાઈરસમાં પણ શુક્રની અસર જોવા મળે. ભારતની જન્મ લગ્ન રાશી વૃષભ છે. શુક્ર ગ્રહ આ રાશીમાં આવશે એટલે મંગળ યોગોનું નિર્માણ થશે, જે દેશ માટે સારા સંકેતસમાન છે.

ભૂતકાળમાં દુનિયામાં ગ્રહોના યોગે જ હાહાકાર મચાવ્યો હતો

જ્યારે જ્યારે ગુરુ-કેતુનો યોગ બને છે ત્યારે ત્યારે દુનિયામાં મોટા ચેપી રોગ અને મહાબીમારી ફેલાય છે. 1918માં, સ્પેનિશ ફ્લૂ મહાબીમારી ફેલાઈ હતી. એની શરૂઆત સ્પેનથી થઈ હતી. એ જાગતિક રોગચાળાને કારણે દુનિયામાં કરોડો લોકો બીમાર પડી ગયા હતા.

1991માં ઓસ્ટ્રેલિયામાં માઈકલ એન્ગલ નામનો કમ્પ્યુટર વાઈરસ ફેલાયો હતો, જેણે ઈન્ટરનેટ અને કમ્પ્યુટર ફિલ્ડમાં વિશ્વસ્તરે નુકસાન કર્યું હતું.

2005માં, ‘H5N1’ નામનો એક બર્ડફ્લૂ રોગ ફેલાયો હતો. પરંતુ ત્યારે ગુરુ-કેતુની યુતિ પૃથ્વીની તત્ત્વ રાશીમાં હોવાથી તે રોગ સીમિત ક્ષેત્ર પૂરતો જ રહ્યો હતો. પરંતુ, 4 નવેંબર, 2019માં ગુરુ અને કેતુની યુતિ અગ્નિ તત્ત્વવાળી ધન રાશીમાં થતાં કોરોના વાઈરસ આગની જેમ દુનિયાભરમાં ફેલાઈ ગયો.