ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇતિહાસ સર્જવા જઈ રહ્યાં છે, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર યાત્રા કરનાર પ્રથમ ભારતીય બની શકે છે. તેઓ મે 2025માં યોજાનારા એક્સિયમ મિશન 4 (Ax-4) અંતર્ગત અંતરિક્ષમાં ઉડાન ભરશે. આ મિશનનું આયોજન એક્સિયમ સ્પેસ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ દેશોના અંતરિક્ષયાત્રીઓનો સમાવેશ છે.શુક્લા ભારતના “ગગનયાન” મિશન માટે પણ પસંદ થયેલા અંતરિક્ષયાત્રી છે. ગગનયાન ભારતનું પહેલું માનવયુક્ત અવકાશ મિશન છે, જેને લઈને દેશમાં ભારે ઉત્સાહ છે. આ પહેલાંનો અનુભવ તેઓને નેશનલ મિશનમાં મદદરૂપ થશે.
Ax-4 મિશનને નાસાની જાણીતી અંતરિક્ષયાત્રી પેગી વ્હિટસન લીડ કરશે. સાથે પોલેન્ડના સ્લાવોસ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુ પણ આ અંતરિક્ષ યાત્રાનો ભાગ બનશે. આ ત્રણેય દેશોની માટે પણ આ મિશન પહેલું હશે જે તેમને ISS સુધી લઇ જાય છે.
શુભાંશુના વિકલ્પ તરીકે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરને બેકઅપ યાત્રી તરીકે રાખવામાં આવ્યા છે. જો શુક્લા કોઈ પણ કારણે મિશનમાં ભાગ ન લઈ શકે, તો નાયર તેમની જગ્યા લેશે. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થનાર આ મિશન અંતરિક્ષયાત્રીઓને 14 દિવસ સુધી ISS પર રહેવા અને વૈજ્ઞાનિક અભ્યાસ, શૈક્ષણિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ કરવા મોકો આપશે. આ મિશન માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સહયોગ અને વૈજ્ઞાનિક વિકાસ માટે પણ એક મોટું પગલું સાબિત થશે.
