નવી દિલ્હીઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે ભારત 2022 સુધી થિયેટર કમાન્ડ બનાવશે. તેમણે જણાવ્યું હતું કે ચીન અને અમેરિકા જવા દેશોએ પહેલેથી તેમની સરહદો અને જોખમને જોતાં પહેલેથી જ થિયેટર્સ કમાન્ડ બનાવી લીધા છે. લાંબા સમયથી થિયેટર્સ કમાન્ડની ચર્ચા થઈ રહી છે, પણ હવે 2022 સુધી દેશમાં એને બનાવવામાં આવશે.
CDS જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે ત્રણે સેનાઓના એકજૂટ કરીને એને મજબૂત કરાશે. ત્રણે સેનાઓ એકસાથે આગળ વધવા માટે તૈયાર છે. જ્યારે પરિવર્તન થાય છે, ત્યારે કેટલીક અડચણો પણ આવે છે, જે ક્યારેક-ક્યારેક જરૂરી હોય છે. એ આપણને સારું માળખું તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભૌગોલિક પરિસ્થિતિઓને હિસાબે અલગ પ્રકારના પડકારોને જોતાં અલગ-અલગ થિયેટર કમાન્ડ બનાવવામાં આવશે. ભારતમાં ચાર કમાન્ડ સુધી હોઈ શકે. સમુદ્દરના જોખમને જોતાં મેરીટાઇમ કમાન્ડ, ચીનને ધ્યાનમાં રાખતાં એક કમાન્ડ અને જમ્મુ-કાશ્મીર માટે એક થિયેટર કમાન્ડની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે અમે એક-એક કરીને ત્રણે સેનાને મજબૂત બનાવી શકીએ છીએ. ચીન, બ્રિટન અને અમેરિકી સેના પહેલેથી એકીકૃત છે. આપણે આપણાં સંસાધનનો સારો ઉપયોગ કરી શકીએ છીએ. ભારતની પાસે ડ્રોન, આર્ટિલરી ગન અને એર ડિફેન્સ કમાન્ડની ઉત્કૃષ્ટ ક્ષમતા છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં કાશ્મીરમાં ઘૂસણખોરીમાં ઘટાડો થયો છે, પણ પાકિસ્તાન સાથે લાગતી સરહદને આપણે નજરઅંદાજ ન કરી શકીએ, એમ તેમણે કહ્યું હતું.