નવી દિલ્હી – ભારતે રશિયા પાસેથી ‘સ્ટ્રુમ એટાકા’ નામની ટેન્ક-વિરોધી મિસાઈલો ખરીદવા માટે કરાર કર્યો છે. ભારતે રશિયા સાથે આ કરાર તાકીદની કલમો હેઠળ કર્યો છે અને તેને આ મિસાઈલ કોન્ટ્રાક્ટ સાઈન કરાયાના 3 મહિનામાં મળશે.
રશિયા સાથેનો આ કરાર લગભગ રૂ. 200 કરોડનો છે. આ મિસાઈલો મળવાથી Mi-35 એટેક હેલિકોપ્ટર્સની ક્ષમતા વધી જશે. આ મિસાઈલથી સજ્જ ચોપર્સ દુશ્મનોની ટેન્કો તથા અન્ય શસ્ત્રસજ્જ વાહનોનો સામનો કરી શકશે.
Mi-35 હાલ ભારતીય હવાઈ દળના એટેક ચોપર્સ છે. એમને માટે અપાચે ગનશિપ્સ પણ મેળવવામાં આવી રહી છે. તેની ખરીદી અમેરિકા પાસેથી કરવામાં આવી છે. એની ડિલિવરી આવતા મહિનાથી મળવાની શરૂ થઈ જશે.
ભારત ઘણા લાંબા સમયથી રશિયન મિસાઈલો ખરીદવા માગતું હતું. આખરે એક દાયકા બાદ આ કરાર ભારતે ઈમરજન્સીની જોગવાઈઓ હેઠળ કર્યો છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગયા અઠવાડિયે આ મિસાઈલો અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.