નવી દિલ્હી- પાકિસ્તાનના કરતારપુર શહેરમાં સ્થિત ગુરુદ્વારા કરતારપુર સાહિબને પંજાબના ગુરદાસપુર શહેરથી જોડતો કોરિડોર તૈયાર કરવા માટે ભારત અને પાકિસ્તાનના અધિકારીઓએ પંજાબમાં ગુરુવારે એક બેઠક મળી હતી. બંન્ને દેશો દ્વારા અપાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કરતારપુર સાહિબ કોરિડોરનું સંચાલન જલ્દી શરુ કરવાની દિશામાં કામ કરવા માટે સહમતી બની છે.
આ બેઠકમાં કરતારપુરની યાત્રા પર ભારતે પાકિસ્તાનને વીઝા ફ્રી યાત્રાની માંગ કરી છે. અટારીમાં યોજાયેલી બેઠક બાદ ભારતીય ડેલિગેશને મીડિયાને જણાવ્યું કે ભારતે પાકિસ્તાનને કરતારપુર સાહિબ જનારા શ્રદ્ધાળુઓ માટે વીઝા વગર યાત્રા કરવાની માંગ કરી છે. સાથોસાથ ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે તેઓ રોજના 5000 તીર્થયાત્રીઓને દર્શન કરવા માટે મંજૂરી આપે. મોટા અને મહત્વપૂર્ણ અવસરે 10000 તીર્થયાત્રીકોને કરતારપુર સાહિબ જવાની મંજૂરી મળે.
આપને જણાવીએ ગુરુદ્વારા કરતારપુર સાહિબ માટે કોરિડોર તૈયાર કરવા માટે અટારીમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે પહેલી સચિવ સ્તરીય બેઠક થઈ. ત્યારબાદ અધિકારીઓએ જણાવ્યું કે કોરિડોરના એગ્રીમેન્ટમાં સામેલ વિભિન્ન મુદ્દાઓ પર બંને દેશ મળીને સમજૂતી કરવા માટે તૈયાર છે. બેઠકમાં કોરિડોર ટેકનીકલ પોઇન્ટ ઉપર પણ ચર્ચા થઈ. આ મુદ્દે બીજી બેઠક 2 એપ્રિલે વાઘામાં થશે.
બંને દેશોની બેઠક પહેલા પાકિસ્તાને ભારતને 59 પાનાનો એક દસ્તાવેજ મોકલ્યો હતો. જેમાં પાકિસ્તાન તરફથી 14 ભલામણો કરવામાં આવી છે. પાકિસ્તાને કહ્યું છે કે કોરિડોરને મુખ્ય હેતુ કરતારપુરમાં ભારતીય તીર્થયાત્રીઓ માટે વીઝા મફત યાત્રાની સુવિધા આપવાની છે. તેના માટે બંને પક્ષોએ (ભારત તથા પાકિસ્તાન) સક્રિય થવું જોઈએ. જો ભારત આ ભલામણો પર રાજી થઈ જાય છે તો આ સમજૂતી લાગી થઈ જશે.