કોંગ્રેસમાં હડકંપઃ દિગ્ગજ કેન્દ્રીય નેતા ટોમ વડક્કન ભાજપમાં જોડાયા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 અગાઉ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ અને કદાવર નેતા ગણાતા ટોમ વડક્કન આજે ભાજપમાં સામેલ થઈ ગયાં. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ભાજપમાં જોડવવા બદલ તેમનું સ્વાગત કર્યું. ટોમ વડક્કન કેરળના ત્રિશુર જિલ્લાથી આવે છે. ટોમ વડક્કન લાંબા સમયથી કોંગ્રેસની સાથે હતાં. તેઓ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત મદદનીશ પણ રહી ચૂક્યા છે. વડક્કન લાંબા સમય સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહ્યા હતાં. રાહુલ ગાંધીના પાર્ટી અધ્યક્ષ બન્યા બાદ પણ તેઓ તેમના નજીકના ગણાતા હતાં.

ભાજપમાં સામેલ થયા બાદ ટોમ વડક્કને કહ્યું કે “મેં 20 વર્ષ કોંગ્રેસને આપ્યાં. કોંગ્રેસમાં વંશવાદનું રાજકારણ હાવી છે. પુલવામાં આતંકી હુમલા બાદ કોંગ્રેસે જે વલણ અપનાવ્યું છે તેનાથી હું ખુબ દુ:ખી છું. કોંગ્રેસ પુલવામા હુમલા પર રાજકારણ રમી રહી છે. હું ભારે મનથી કોંગ્રેસ છોડી રહ્યો છું. પાકિસ્તાની આતંકીઓએ આપણી જમીન પર હુમલો કર્યો અને તમે તેના ઉપર જ રાજકારણ રમો છો.”

તેમણે કહ્યું કે જ્યારે તમે દેશની સેનાઓ પર સવાલ ઉઠાવો છો ત્યારે દુ:ખ થાય છે. કોંગ્રેસ છોડવી અને ભાજપમાં સામેલ થવું એ વિચારધારાની વાત નથી, દેશપ્રેમની વાત છે. ટોમ વડક્કન પૂર્વ પીએમ અને દિવંગત કોંગ્રેસ નેતા રાજીવ ગાંધીના પણ સહાયક રહી ચૂક્યા છે.

આ દિવસે વિપક્ષી ખેમાના નેતાઓની ભાજપમાં સામેલ થયા બાદ ભાગદોડ જેવી સ્થિતિ થઇ ગઇ છે. આની પહેલાં ગુરૂવારના રોજ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન સિંહ પણ ભાજપમાં સામેલ થઇ ગયા છે. આની પહેલાં કર્ણાટકમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઉમેશ જાધવે પણ પાર્ટી અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું સોંપી દીધું હતું. ત્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને નેતા પ્રતિપક્ષ રાધાકૃષ્ણ વિખે પાટિલના દીકરા સુજય વિખે પાટીલ પણ મંગળવારના રોજ ભાજપમાં સામેલ થઇ ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]