નવી દિલ્હી – ગયા રવિવારે ઈથિયોપીયાના એડીસ અબાબા શહેરમાં 157 પ્રવાસીઓનાં જેમાં જાન ગયા હતા તે ઈથિયોપીયન એરલાઈન્સ વિમાનની દુર્ઘટનાને પગલે બોઈંગ 737 MAX 8 વિમાનોને સેવામાંથી હટાવી લેવાનો ભારતે પણ નિર્ણય લીધો છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ગઈ કાલે મોડી રાતે આ નિર્ણયની જાહેરાત કરી હતી.
ભારતમાંની એરલાઈન કંપનીઓ પણ બોઈંગ 737 MAX 8 વિમાનોનો ઉપયોગ કરવાનું સ્થગિત કરશે એવું ડીજીસીએના એક અધિકારીએ અગાઉ જણાવ્યું જ હતું.
પ્રવાસીઓની સુરક્ષા જળવાય એ માટે જ્યાં સુધી બોઈંગ 737 MAX 8 વિમાનોમાં ઉચિત સુધારા અને સુરક્ષાનાં પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી આ વિમાનોનો ઉપયોગ ન કરવાનો ડીજીસીએ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, એમ કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન મંત્રાલયે એક ટ્વીટમાં જણાવ્યું છે.
બોઈંગ 737 MAX 8 વિમાનોનાં ઉપયોગને સસ્પેન્ડ કરવાનો નિર્ણય આ પહેલાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, સિંગાપોર, ચીન, ઈન્ડોનેશિયા અને બ્રિટન લઈ ચૂક્યા છે.