નવી દિલ્હીઃ ભારતીયોનું સોના પ્રત્યેનું આકર્ષણ જગજાહેર છે. દેશનો કુલ સોના ભંડાર આ વાતની પુષ્ટિ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ભારત પાસે 607 ટન સોનાનો ભંડાર છે, જે પાકિસ્તાન કરતાં 10 ગણો વધારે છે. પાકિસ્તાન પાસે સોનાનો ભંડાર 64.6 ટન છે.
વિશ્વમાં સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા દેશીની જો વાત કરવામાં આવે તો, આ લિસ્ટમાં ભારત 11માં સ્થાન પર છે. ચીન આ લિસ્ટમાં ભારત કરતા ઘણુ આગળ છે. વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન પાસે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર 1,864.30 ટન સોનાનો ભંડાર છે. જે ભારતની તુલનામાં અંદાજે ત્રણ ગણો વધારે છે. આ મામલે ચીનનું સ્થાન વિશ્વભરમાં સાતમાં સ્થાને છે.
મહત્વની વાત એ છે કે, ચીન છેલ્લા 4 મહિનામાંથી સતત તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યું છે. સેન્ટ્રલ બેંકની વેબસાઈટના હવાલેથી એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચ મહિનામાં ચીને તેમના સોનાના ભંડારમાં 60.62 મિલિયન આઉંસનો વધારો કર્યો છે. ચીનની સાથે રશિયા પણ મોટી માત્રામાં સોનાની ખરીદી કરીને તેમના ભંડારમાં વધારો કરી રહ્યું છે. સૌથી વધુ સોનાનો ભંડાર રાખનારા દેશોમાં અમેરિકા નંબર એક પર આવે છે, તેની પાસે 8,133.50 ટન સોનાનો ભંડાર છે.
બીજા નંબર પર જર્મની (3,369.70 ટન), ત્રીજા ક્રમે આઈએમએફ (2814 ટન) ચોથા સ્થાન પર ઈટાલી (2451.80 ટન), પાંચમાં ક્રમે ફ્રાંસ (2436 ટન) અને છઠ્ઠા ક્રમ પર (2119.20) ટન સાથે રશિયાનો ક્રમ આવે છે. તો બીજી તરફ સ્વિટ્ઝરલેન્ડ પાસે 1040 ટન સોનાનો ભંડાર છે, જે આ યાદીમાં આઠમું સ્થાન ધરાવે છે. જાપાન 765.20 ટન સોના સાથે નવમાં ક્રમે અને નેધરલેન્ડ 612.50 ટન સોના સાથે દસમાં સ્થાન પર છે.