નવી દિલ્હી: ભારત સરકારે 23 પેજનો એક ડોઝિયર પાકિસ્તાનને સોંપ્યું છે. આ ડોઝિયરમાં કહેવામાં આવ્યું છે કે, ખાલિસ્તાન સમર્થક કેવી રીતે પાકિસ્તાનમાં સક્રિય છે અને ભારતમાં અલગાવવાદને પ્રોત્સાહન આપી રહ્યાં છે. કરતારપુર કોરિડોર માટે બોલાવામાં આવેલી ચર્ચા દરમિયાન ભારતે પાકિસ્તાનને આ ડોઝિયર સોંપ્યું છે.મહત્ત્વનુું છે કે કરતારપુર કોરિડોરને લઇને બંને દેશો વચ્ચે મંત્રણાઓ ચાલી રહી છે ત્યારે અનેક રક્ષા વિશેષજ્ઞોએ દ્વારા સાવધાનીનો સૂર વ્યક્ત કરતાં સરકારને સચેત કરવામાં આવી છે કે ખાલિસ્તાન ચળવળને ફરી ધૂણતી કરવા માટેના પ્રયાસો કરવામાં પાકિસ્તાનને આ એક વધુ કારણ મળી શકે છે. ત્યારે ભારત દ્વારા આ મુદ્દે પાકિસ્તાનને અવગત કરાવ્યું છે.
ભારત તરફથી વર્ષમાં ચાર વખત શીખ શ્રદ્ધાળુંઓનો પાકિસ્તાન જાય છે. આ દરમિયાન એવું જોવા મળ્યું છે કે, ભારત વિરુદ્ધ પાકિસ્તાન તરફથી ષડયંત્ર રચવામાં આવે જે ધાર્મિક યાત્રાની વિરુદ્ધ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સામે વિદ્રોહ ભડકાવવાનું ષડયંત્ર રચવામાં આવે છે.
ભારતે તેમના ડોઝિયરમાં આ વાતનો પુરાવો રજૂ કર્યો છે કે, રેફરેન્ડમ 2020ની ગતિવિધિઓ પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવે છે. રેફરેન્ડમ 2020 સંબંધિત અનેક વિડિયો અને તસવીરો ભારતે તેમના ડોઝિયરમાં પાકિસ્તાનને સોંપી છે. આમાં એવી તસવીરો પણ છે જેમાં એકે 47ની સાથે ખાલિસ્તાન સમર્થકો ઉભેલા નજરે પડે છે. આ ઉપરાંત ખાલિસ્તાન સમર્થક નેતા ગોપાલ સિંહ ચાવલા જમાત ઉદ દાવાના મુખ્યા હાફિઝ સઈદને મળતા હોય તેવા પુરાવાઓ પણ સોંપવામાં આવ્યાં છે.
ભારતે તેમના ડોઝિયરમાં સાત ખાલિસ્તાન સમર્થકોનાં નામ સામેલ કર્યા છે. જેમાં ગોપાલ સિંહ ચાવલા, જગરૂપ સિંહ રૂપ, હરમીત સિંહ પીએચડી, લખવીર સિંહ રોડે, તારા સિંહ, બિશન સિંહ અને મહેન્દ્ર સિંહનું નામ સામેલ છે. ભારતે 23 પેજનું આ ડોઝિયર ઈસ્લામાબાદને 14 જૂલાઈએ સોંપી દીધું છે. વાઘા બોર્ડર પર ભારત પાકિસ્તાન વચ્ચે થયેલી બેઠકમાં આ ડોઝિયર સોંપવામાં આવ્યું છે. આ મીટિંગમાં પાકિસ્તાને વચન આપ્યું છે કે, તેમની સરહદની અંદર થતી ભારત વિરોધી ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવશે.