દેશના કેટલાક ભાગોમાં ક્યાંક હીટ વેવ તો ક્યાંક વરસાદનું રેડ એલર્ટ

નવી દિલ્હીઃ દેશના કેટલાક ભાગોમાં પ્રચંડ ગરમી પડી રહી છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસથી 50 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી NCR, હરિયાણા, ચંડીગઢ અને પંજાબમાં હીટ વેવનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે, જ્યારે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહીનો અંદાજ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વરસાદનું રેડ અલર્ટ અને અરુણાચલ પ્રદેશમાં ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ સિવાય નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બધા વિસ્તારોમાં યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે ઓડિશામાં વરસાદ પહેલાં હવામાં ભારે ભેજ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઝારખંડમાં પણ હીટ વેવની ચેતવણી જારી કરી છે. આ સિવાય ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ હીટવેવનું એલર્ટ જારી કર્યું છે.હવામાન વિભાગ (IMD)ના ડેટા અનુસાર ઓડિશામાં 1 માર્ચથી 9 જૂન વચ્ચે 27 દિવસ સુધી હીટવેવ નોંધવામાં આવી હતી, દેશના કોઈ પણ રાજ્ય કરતાં ઓડિશામાં સૌથી વધુ ગરમ દિવસો નોંધાયા હતા. રાજસ્થાનમાં 23 દિવસ હીટ વેવ નોંધાઈ હતી, જ્યારે હરિયાણા, દિલ્હી અને યુપીમાં ઓછામાં ઓછા 20 દિવસ હીટ વેવ નોંધાઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં પણ છ દિવસની હીટ વેવ નોંધવામાં આવી છે.