નવી દિલ્હી – લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 16મી લોકસભામાં આજે પોતાનું આખરી ભાષણ કર્યું હતું. પોતાના શાસન હેઠળના છેલ્લા પાંચ વર્ષમાં ભારત દેશે વિશ્વસ્તરે આત્મવિશ્વાસ હાંસલ કર્યો છે એવું મોદીએ ભારપૂર્વક કહ્યું હતું.
પોતાની સરકારે હાંસલ કરેલી સિદ્ધિઓની રૂપરેખા દર્શાવતાં મોદીએ કહ્યું કે ભારત દેશ આજે વિશ્વમાં સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ પામનાર અર્થવ્યવસ્થા બન્યો છે.
મોદીએ પોતાના સંબોધનમાં એમની આગવી શૈલીમાં વિરોધ પક્ષ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી અને ગૃહની એક બેઠક દરમિયાન પોતાની સીટ પાસે આવીને પોતાને ભેટવાની અને બાદમાં આંખ મિચકારવાની પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીની જાણીતી હરકત વિશે ટકોર પણ કરી હતી. એમણે કહ્યું કે, હું તો પહેલી જ વાર સંસદસભ્યો બન્યો હતો. ‘પહલી બાર મુઝે પતા ચલા… ગલે મિલના ઔર ગલે પડના ક્યા હોતા હૈ’.
મોદીના ભાષણ સાથે જ 16મી લોકસભાને અચોક્કસ મુદત સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
મોદીના ભાષણનાં મુખ્ય અંશ નીચે મુજબ છેઃ
– ગૃહની કાર્યવાહીનું સંચાલન કરવામાં સ્પીકર સુમિત્રા મહાજને ભજવેલી ભૂમિકાની હું પ્રશંસા કરું છું.
– અમારી સરકારના શાસન દરમિયાન લોકસભામાં અનેક સત્રો ફળદાયી રહ્યા હતા. આ સારી બાબત કહેવાય. સંસદીય બાબતોના પ્રધાન તરીકે વેંકૈયા નાયડુ અને સ્વ. અનંત કુમારે આપેલા યોગદાન બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું.
– આ જ ગૃહે અમારી સરકારની મુદતમાં દેશમાં કાળા નાણાં અને ભ્રષ્ટાચારના દૂષણ વિરુદ્ધના કાયદાઓને પાસ કર્યા હતા.
– આ જ લોકસભાએ જીએસટી કાયદો પાસ કર્યો છે.
– આ જ લોકસભાએ આધાર કાર્ડ યોજનાને વધારે મજબૂત સ્વરૂપ આપ્યું છે.
– અમારી સરકારને પૂર્ણ બહુમતી મળી હતી એટલે જ વિશ્વસ્તરે ભારતની વગ વધી છે અને ભારતીયોનું મૂલ્ય વધ્યું છે. મહત્ત્વના મુદ્દાઓ પર દુનિયાના દેશો ભારતનો અવાજ સાંભળતા થયા છે
– મેક ઈન ઈન્ડિયા યોજનાથી ભારત સ્વાવલંબી બન્યું છે
– આજે વિશ્વસ્તરે ભારતનો આત્મવિશ્વાસ એકદમ ટોચ પર છે. આને હું ખૂબ જ સકારાત્મક ચિન્હ ગણું છું, કારણ કે આ પ્રકારનો આત્મવિશ્વાસ વિકાસને વેગ આપે છે.
– આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનાં ઉપાયો વિશે વિચારાઈ રહ્યું છે ત્યારે ભારતે આ દૂષણનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સૌર્ય સમૂહની રચનામાં મહત્ત્વનો પ્રયાસ કર્યો છે.
– મારી સરકારો કાર્યકાળ શરૂ થયો એ જ વખતે મને કહેવામાં આવેલું કે (રાજકીય) ભૂકંપ આવશે, પણ અમારો સંપૂર્ણ કાર્યકાળ શાંતિથી પૂરો થઈ ગયો, પણ કોઈ ભૂકંપ આવ્યો નહીં.
– દેશમાં પહેલી જ વાર બિન-કોંગ્રેસી ગોત્રની સરકાર બની હતી.
– ચાર વર્ષમાં લોકસભાના 8 સત્ર તો એવા ગયા હતા કે જેમાં 100 ટકાથી પણ વધારે કામકાજ થયું હતું. અમે સરેરાશ 85 ટકા કામ કરી બતાવ્યું છે.
– ભ્રષ્ટાચાર વિરુદ્ધના કાયદા પાસ થવાથી આવનારી પેઢીઓને ઘણો જ ફાયદો થશે.
પોતાના ભાષણના અંતે મોદીએ તમામ સંસદસભ્યોને આવનારી લોકસભા ચૂંટણીમાં તંદુરસ્ત હરીફાઈ લડવાનું આહવાન કર્યું હતું.