જમ્મુ કશ્મીર- રાજ્યપાલ સત્યપાલ મલિક તેમના એક નિવેદનને કારણે વિવાદોમાં ઘેરાયા છે. રાજ્યપાલે રવિવારે આતંકવાદીઓને કહ્યુ કે, સુરક્ષાકર્મીઓ સહિત નિર્દોષ લોકોની હત્યા કરવાનું બંધ કરો અને તેમના બદલે એવા લોકોને નિશાન બનાવો જેમણે વર્ષો સુધી કશ્મીરની સંમ્પદાને લૂંટી છે. રાજ્યપાલના આ નિવેદનની અનેક નેતાઓએ ટીકા કરી છે. તો બીજી તરફ વિવાદ વધતો જોઈને રાજ્યપાલે સફાઈ આપી છે.
સત્યપાલ મલિકે કહ્યું કે, એક ગવર્નર તરીકે મારે આ પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ. જોકે તેમણે એમ પણ કહ્યું કે ગુસ્સાને કારણે તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. મલિકે કહ્યું કે, મેં જે કંઈ પણ કહ્યું તેની પાછળનું કારણ સતત વધી રહેલા ભ્રષ્ટાચારને લઈને ગુસ્સો અને હતાશા છે. એક ગવર્નર તરીકે મારે આવું ન કહેવું જોઈએ. જો હું આ પદ પર ન હોત તો હું બિલકુલ આમ જ કહેતો અને તેના માટે કોઈ પણ પ્રકારનું પરિણામ ભોગવવા માટે પણ તૈયાર હોત.
સત્યપાલ મલિકે દાવો કર્યો કે, કશ્મીરમાં ઘણાબધા રાજનેતા અને અધિકારી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. તે તમામ અપરાધી છે. એક ગવર્નર તરીકે મારે આ પ્રકારનું નિવેદન આપવાથી બચવું જોઈતું હતું. પરંતુ એક વ્યક્તિ તરીકે મેં એજ કહ્યું જે હું અનુભવતો હતો.
રાજ્યપાલના આ નિવેદન પર પૂર્વ મુખ્યપ્રધાન અને જમ્મુ કશ્મીર નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા ઓમર અબ્દુલ્લાએ તીખી પ્રતિક્રિયા આપી છે. અબ્દુલ્લાએ ટવીટ કર્યું છે કે, આજ પછી જમ્મુ કશ્મીરમાં કોઈપણ સરકારી નોકર કે નેતાની હત્યાની ઘટના બનશે તો તેના માટે રાજ્યપાલ સત્યપાલ મલિક જવાબદાર ગણાશે.