નવી દિલ્હી– રાજધાની દિલ્હીની તિહાડ જેલમાં બંધ ઈન્ડિયન મુઝાહિદીન (આઈએમ)ના આતંકી યાસીન ભટકલની વર્ષ 2013માં ધરપકડ કરવામાં આવી હતી. તેના અંદાજે ત્રણ વર્ષ બાદ તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી. પરંતુ આ દરમિયાન એક મામલો સામે આવ્યો છે, જેમાં હવે તે ઈન્ડક્શન સગડી (એક પ્રકારની ઈલેક્ટ્રીક સગડી) ને લઈને વિરોધ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર હાલમાં જ ભટકલે જેલમાં ઇન્ડક્શનનો પ્રયોગ ફરીથી શરુ કરવા માટે બે દિવસ ભૂખ હડતાળ પણ કરી હતી.
શું છે મામલો: હકીકતમાં દિલ્હીની તિહાડ જેલ પ્રશાસને ગત વર્ષે ડિસેમ્બરમાં દૂધ અને પાણી ગરમ કરવા માટે કેદીઓને ઈન્ડક્શન સગડીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી પરંતુ આ દરમિયાન ફરિયાદ મળી કે કેટલાક કેદીઓ સગડીનો ઉપયોગ ખાવાનું બનાવવા માટે કરી રહ્યાં છે, ત્યાર બાદ સગડીઓ પરત લઈ લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, કેદીઓને જેલની રસોઈમાં ખાવાનું બનાવવાનું અને લઈ જવાની મંજૂરી નથી હોતી.
મીડિયા રિપોર્ટ અનુસાર તિહાડ જેલમાં બંધ પત્રકાર સૌમ્યા વિશ્વનાથન અને જિગિશા ઘોષની હત્યાના આરોપી ગેંગસ્ટર રવિ કપૂર સાથે યાસીન ભટકલે દોસ્તી કરી લીધી છે. ભટકલની ભૂખ હડતાળમાં અસદુલ્લાહ હાદી, પૂર્વોત્તર દિલ્હીના ચીનૂ ગિરોહના કેટલાક સભ્યો અને રવિ કપૂરે તેનો સાથ આપ્યો હતો. તિહાડ જેલના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે, ભટકલે વિરોધ શરુ કર્યો હતો. પરંતુ તેમણે જેલની અંદર કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શન અંગે ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો હતો અને કહ્યું કે, આ આંતરિક મામલો છે.
મહત્વનું છે કે, વર્ષ 2012માં થયેલા હેદરાબાદ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 2016માં ભટકલને મૃત્યુદંડની સજા ફટકારી હતી. હૈદરાબાદના દિલસુખ નગરમાં 21 ફેબ્રુઆરી 2013ના રોજ થયેલા બ્લાસ્ટમાં 18 લોકોના મોત થયાં હતાં. આ ઉપરાંત ભટકલ 2008 અમદાવાદ અને બેંગ્લુરુ તેમજ 2012માં પૂણેમાં થયેલા બ્લાસ્ટનો પણ આરોપી છે.