નવી દિલ્હીઃ પાકિસ્તાનના એરસ્પેસ બંધ કરવાના જવાબમાં રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે ભારતને કરાંચી પોર્ટ જનારા સમુદ્રી જહાજોને પણ અરબ સાગરમાંથી પસાર ન થવા દેવા જોઈએ. સ્વામીનું આ નિવેદન એ રિપોર્ટ્સ બાદ સામે આવ્યું છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ભારતથી સંચાલિત થનારા યાતાયાત માટે પોતાનું એરસ્પેસ બંધ કરી રહ્યું છે. હકીકતમાં મંગળવારના રોજ પાકિસ્તાનના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પ્રધાન ફવાદ ચોધરીએ ભારત માટે પોતાના દેશના હવાઈ ક્ષેત્રને બંધ કરવાના સંકેત આપતા ટ્વીટ કર્યું હતું.
ત્યારબાદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે મોદી સરકારને મારી સલાહ છે કે જો પાકિસ્તાન આપણા વાણિજ્યિક અને નાગરિક વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરે છે, તો ભારતને કરાંચી પોર્ટ માટે અરબ સાગરથી જનારા જહાજો માટે માર્ગ બંધ કરી દેવો જોઈએ. જો હકીકતમાં ભારત અરબ સાગરથી કરાંચી જનારા માર્ગ પર પૂર્ણતઃ પ્રતિબંધ લગાવે તો શું થાય? કેટલા જહાંજ કરાંચી નહી જઈ શકે? પાકિસ્તાનને તેનાથી કેટલું નુકસાન થશે? આવો જાણીએ વિગતો…
60 ટકા જહાંજોનો રસ્તો બંધ થઈ જશે
કરાંચી પોર્ટ ટ્રસ્ટ અનુસાર અત્યારે તેમના પોર્ટ પર વાર્ષિક 1600 શીપ્સ પહોંચે છે. જો ભારત અરબ સાગરમાં પોતાનું ક્ષેત્ર બંધ કરી દે, તો કરાંચી જનારા આશરે 60 ટકા જેટલા જહાંજોએ પોતાનો રસ્તો બદલવો પડશે. આનાથી સૌથી વધારે નુકસાન ચીન અને પાકિસ્તાનને થશે. કારણ કે, ચીનના મોટાભાગના જહાંજ બંગાળની ખાડીથી પસાર થઈને શ્રીલંકા બાજુથી અરબ સાગરના રસ્તે કરાંચી પોર્ટ પર પહોંચે છે. જો ભારત અરબ સાગરમાં પ્રતિબંધ લગાવી દે તો તમામ દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો તરફથી આવનારા જહાંજોને આફ્રીકા નજીથી થઈને પસાર થવું પડશે. આનાથી યાત્રાનો સમય આશરે એક દિવસ અથવા તેનાથી પણ વધારે વધી જશે.
બીજા પોર્ટ પર રોકાશે જહાંજો
યાત્રાનો સમય અને અંતર વધી જવાથી જહાંજોના ઈંધણનો ખર્ચ પણ વધશે. આવામાં એ જહાંજ કે જે કરાંચી રોકાઈને આગળ વધવા ઈચ્છતા હશે, તેમણે કોઈ અન્ય પોર્ટ પર રોકાવું પડશે. આનાથી અન્ય પોર્ટને આર્થિક રીતે ફાયદો થશે. કારણ કે એ લોકોએ જે ભાડુ કરાંચી પોર્ટને આપવું પડે છે તે ભાડુ અન્ય પોર્ટને આપવું પડશે. બીજા દેશોના જહાંજ આફ્રીકા, યમન, ઓમાનના રસ્તે જ પાકિસ્તાન બાજુ જઈ શકશે. અથવા આ જ દેશોના પોર્ટનો ઉપયોગ કરશે.
કરાંચી પોર્ટની આવકમાં થશે 40 ટકાનો ઘટાડો
કરાંચી પોર્ટ સમુદ્રના રસ્તે કમાણીના મામલે પાકિસ્તાનને સૌથી વધારે રેવન્યૂ આપે છે. કરાંચી પોર્ટ ટ્રસ્ટની વેબસાઈટનું માનીએ તો સમુદ્રના રસ્તેથી થનારી કમાણીનો આશરે 61 ટકા જેટલો ભાગ કરાંચી પોર્ટથી મળે છે. જો ભારત અરબ સાગરમાં પ્રતિબંધ લગાવી દે તો તેનાથી કરાંચી પોર્ટની આવકમાં 40 ટકા જેટલો ઘટાડો થશે. અને શક્ય છે કે આનાથી પણ વધારે પાકિસ્તાનને આર્થિક નુકસાન થાય.
આવું ઉદાહરણ પહેલા પણ રજૂ કરી ચૂક્યું છે ભારત
આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત સરકારે કસ્ટમ ડ્યૂટી વધારી દીધી હતી. આનાથી આશરે 800 કન્ટેનર્સ સીમેન્ટના કરાંચી પોર્ટ પર અટકી ગયા હતા. પાકિસ્તાનના સીમેન્ટના વ્યાપારીઓને નુકસાન થઈ રહ્યું હતું. કરાંચી પોર્ટથી ભારત તરફ ફળ, સિમેન્ટ, રસાયણ, ફર્ટિલાઈઝર, ચામડુ અથવા ચામડાના ઉત્પાદનો ભારત બાજુ આવે છે. અરબ સાગરમાં પ્રતિબંધ લગાવવાથી કરાંચી પોર્ટ દ્વારા પાકિસ્તાનને આશરે 3500 કરોડ રુપિયાનું નુકસાન થશે.