નવી દિલ્હી: અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના લોકો સાથે યોજાનારા વડાપ્રધાન મોદીના કાર્યક્રમનું નામ હાઉડી મોદી (Howdy Modi) રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી 22 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં ભાગ લેવા અમેરિકા જવાના છે. દક્ષિણ પશ્ચિમ અમેરિકામાં મિત્રતાના અંદાજમાં એક બીજાને હાઉડી કહેવાનું ચલણ છે. આ (How do you do) નું સંક્ષિપ્ત રૂપ છે. આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયના હજારો લોકો ભાગ લે તેવી શક્યતા છે. માત્ર ટેક્સાસમાં ભારતીય મૂળના અંદાજે 5 લાખ લોકો રહે છે. આ લોકોની અંતરિક્ષ, ઊર્જા, મેડિસિન, શિક્ષા, આઈટી અને અન્ય કારોબાર જેવા મહત્વના ક્ષેત્રોમાં પકડ છે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈ ટિકિટ નથી રાખવામાં આવી પરંતુ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના ભાષણ ઉપરાંત ભારતીય-અમેરિકાના સંબંધોને રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે, જેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
કાર્યક્રમનું આયોજન એનઆરજી સ્ટેડિયમમાં થઈ શકે છે. તેની ક્ષમતા 70 હજારની છે. કાર્યક્રમ માટે હ્યૂસ્ટનને પસંદ કરવાનું કારણ એ છે કે, અહીં મોટી સંખ્યામાં ભારતીય સમુદાય રહે છે. ગયા વર્ષે ટેક્સાસના ગવર્નર અને હ્યૂસ્ટનના મેયરે પણ ભારતની મુલાકાત લીધી હતી. આ સિવાય ટેક્સાસના પૂર્વ ગવર્નર રિક પેરીના ભારતીય અમેરિકનો સાથે ખૂબ સારા સંબંધો છે.
વિદેશ પ્રધાન એસ જયશંકર પણ 25-26 જુલાઈએ બ્રાઝિલના રિયો ડી જાનેરિયોમાં બ્રિક્સ દેશોના વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેશે. બ્રિક્સ દેશોના કોઈ પણ કાર્યક્રમમાં આ જયશંકરની પહેલી મુલાકાત છે. આ પહેલાં સુષ્મા સ્વરાજે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિદેશ પ્રધાન હતા ત્યારે બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, હ્યુસ્ટનને દુનિયાનું ઊર્જા પાટનગર પણ કહેવામાં આવે છે. મોદી માટે પણ ઊર્જા સુરક્ષા જ પ્રાથમિકતા રહી છે. 2014માં વડાપ્રધાન બન્યાં પછી આ ત્રીજો એવો મોકો છે જ્યારે મોદી અમેરિકામાં ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધન કરશે. આ પહેલાં 2014માં ન્યૂયોર્કમાં મેડિસન સ્ક્વોયર ગાર્ડન અને 2016માં સિલિકોન વેલીમાં પણ મોદીના કાર્યક્રમ રાખવામાં આવ્યાં હતાં. આ બંને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીયો ભેગા થયાં હતાં. એક અંદાજ પ્રમાણે આ કાર્યક્રમોમાં સમગ્ર અમેરિકામાંથી 20 હજારથી વધારે લોકો મોદીને સાંભળવા માટે અહીં પહોંચ્યાં હતાં.