ભારતનું સૌથી મહત્ત્વાકાંક્ષી અવકાશી મિશન ચંદ્રયાન-2 સાતમી સપ્ટેંબર, શનિવારે વહેલી સવારે દોઢ અને અઢી વાગ્યાની વચ્ચે ચંદ્ર ગ્રહની ધરતી પર ઉતરાણ કરશે એ સાથે જ ભારત મોટી વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરશે.
રૂ. 938 કરોડના ખર્ચે અને સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવેલા ચંદ્રયાન-2 અવકાશયાનને ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ ગઈ 22 જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાસ્થિત સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી અવકાશમાં લોન્ચ કર્યું હતું.
આ મહત્ત્વાકાંક્ષી મિશન પર સમગ્ર ભારત દેશની અપેક્ષા બંધાયેલી છે.
ચંદ્રયાન-2 મિશન પરનું વિક્રમ લેન્ડર ચંદ્રમાની દક્ષિણ બાજુએ – દક્ષિણ ધ્રુવ પરની સપાટી પર ઉતરાણ કરશે એ સાથે જ ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વમાં માત્ર ચોથો જ દેશ બનશે. ભારત સામેલ થશે અમેરિકા, રશિયા અને ચીનની હરોળમાં.
જોકે ભારત પહેલો દેશ બનશે જેનું યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે, કારણ કે અત્યાર સુધી અન્ય ત્રણ દેશે પણ ચંદ્રની આ બાજુએ યાન ઉતાર્યું નથી. ચંદ્રની આ બાજુ અંધારી અને અત્યંત ઠંડી હોય છે.
ભારતીયોએ અત્યાર સુધીમાં ઓલિમ્પિક્સ મુકાબલાઓ તથા અનેક ખેલકૂદ મેચો અને કાર્યક્રમો ટીવી પર લાઈવ નિહાળ્યા હશે, ભારતના ચંદ્રયાન-2ને ચંદ્રની ધરતી પર ઉતરતું જોવાની ઘણાયની ઈચ્છા હશે. એ ઘટનાનું જીવંત પ્રસારણ જોવું હોય તો આ નોંધી રાખોઃ
(1) ઈસરો સંસ્થાની વેબસાઈટ isro.gov.in ઉપર ચંદ્રયાન-2નું મૂનલેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમ ઉપલબ્ધ થશે. આ ટેલિકાસ્ટ બેંગલુરુમાં સેટેલાઈટ કન્ટ્રોલ સેન્ટરના કન્ટ્રોલ રૂમમાંથી સીધું કરવામાં આવનાર છે.
(2) પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો ઓફ ઈન્ડિયા (PIB)ની યૂટ્યૂબ ચેનલ ઉપર પણ લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે.
(3) નેશનલ જિયોગ્રફિકે પણ જાહેરાત કરી છે કે તે પણ ચંદ્રયાન-2ના મૂનલેન્ડિંગની ઘટનાને દર્શાવશે.
(4) આજે રાતે 11.30 વાગ્યાથી હોટસ્ટાર ઉપર પણ ચંદ્રયાન-2ના સોફ્ટ લેન્ડિંગની ઘટનાનું પ્રસારણ શરૂ થઈ જશે.
(5) દૂરદર્શન નેશનલની યૂટ્યૂબ ચેનલ ઉપર પણ લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મધરાતની આસપાસ ઈસરો સંસ્થામાં પહોંચી જશે અને તેઓ ત્યાંથી જ ઘટનાને લાઈવ નિહાળશે. એમની સાથે દેશભરમાંથી પસંદ કરાયેલા 60 જેટલા સ્કૂલ વિદ્યાર્થીઓ પણ હાજર હશે.