લોકસભાની ચૂંટણી સાથે ઘણાં રસપ્રદ કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આજે આપણે વાત કરીશું દેશના સૌ પ્રથમ મતદાતા શ્યામશરણ નેગી અંગે, કે જેમની ઉંમર 102 વર્ષ છે અને તેમણે 1951ની પ્રથમ લોકસભાની ચૂંટણીથી લઈ 2014 સુધીની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે. ત્યારથી આજ દિવસ સુધી તેઓ એક પણ ચૂંટણીમાં મતદાન કરવાનું ચુક્યા નથી. 1951માં તેમણે હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લા ખાતેથી પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો.
જોકે રસપ્રદ વાત એ છેકે જુલાઇ 2007માં ચૂંટણી પંચે નેગીને શોધી કાઢ્યા તે પહેલા તેઓ 45 વર્ષ સુધી વિસરાયેલી રહ્યા હતાં. આઈએએસ ઓફિસર મનીષા નંદા જ્યારે ફોટો સાથેની મતદાર યાદી તપાસી રહ્યાં હતા ત્યારે તેમને સૌપ્રથમ વખત નેગી વિશે માહિતી મળી હતી.
મનીષા નંદાએ કહ્યું કે, “કિન્નૌરમાં બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં બીજા સ્થળો કરતા પહેલા જ ચૂંટણી યોજાતી હતી તે જાણીને હું ખૂબ જ ઉત્સાહિત હતી. એ દિવસે હું 90 વર્ષથી વધુ ઉંમર હોય તેવા મતદાતાઓની ફોટોવાળી યાદી તપાસી રહી હતી. નેગીનું નામ અને ઉંમર જોઈને અચાનક તેમના તરફ મારું ધ્યાન ગયું હતું. મેં ચૂંટણી વિભાગના અધિકારીઓને નેગીના ઘરની મુલાકાત લેવાનું કહ્યું હતું. આ સમયે તેમની ઉંમર 92 વર્ષ હતી.” સૂચના મળ્યાં બાદ 2003 બેચના આઈએએસ અધિકારી એમ સુધા દેવી કે જેઓ કિન્નૌર ખાતે ડેપ્યૂટી કમિશ્નરના પદે તહેનાત હતા તેમણે નેગીના ઘરની મુલાકાત લીધી હતી. તેઓ કલ્પા ગામ ખાતે રહેતા હતા. નેગીએ દેવીને જણાવ્યું હતું કે તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા છે. એટલું જ નહીં તેઓ પોતાની જિંદગીમાં એક પણ વખત મતદાન કરવાનું ચૂક્યા નથી.
તમને જણાવી દઇકે નેગીનો જન્મ જુલાઈ 1, 1917માં થયો હતો. નેગી એ સમયે સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતાં. સ્વતંત્ર ભારતની પ્રથમ ચૂંટણી વખતે તેમને ચૂંટણીની ફરજ પર મૂકવામાં આવ્યા હતા. દેવીની મુલાકાત દરમિયાન નેગીના 53 વર્ષીય પુત્ર ચંદર પ્રકાશે જણાવ્યું કે, મારા પિતાએ ચૂંટણી અધિકારીને વિનંતી કરી હતી કે ચૂંટણીની ફરજ પર હાજર થતાં પહેલા તેમને મત આપવા દેવામાં આવે. અધિકારીએ તેમની વાત માની હતી અને આ રીતે તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા બન્યા હતા.
નેગીના પ્રબળ અને લોકશાહીમાં વિશ્વાસના દાવા પછી અધિકારીઓએ ચૂંટણીના રેકોર્ડ તપાસવાનું શરૂ કર્યું હતું. આ અંગે નંદાએ જણાવ્યું કે, અમે ચાર મહિના સુધી ફાઇલો તપાસી હતી. ચૂંટણી પંચે પણ નવી દિલ્હીના હેડક્વાર્ટર ખાતે રેકોર્ડની તપાસ કરી હતી. મારા માટે દેશના પ્રથમ મતદાતાને શોધી કાઢવાનો પ્રયાસ પીએચડી કરવા બરાબર હતો.
વર્ષ 2012માં દેશના તત્કાલિન ચૂંટણી કમિશ્નર નવીન ચાવલા નેગીના હાલચાલ પૂછવા માટે કિન્નૌરના કાલ્પા ગામ ખાતે આવેલા તેના ઘરે પહોંચ્યા હતા. એટલું જ નહીં વર્ષ 2014માં ચૂંટણી દરમિયાન ગૂગલે નેગીને લઈને એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેઓ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા હતા.