નાગપુર – વિશ્વની સૌથી ટૂંકા કદની મહિલા તરીકેનો વિક્રમ ધરાવતાં જ્યોતિ આમગેનાં અત્રેના નિવાસસ્થાને ચોરી થઈ છે. ચોરટાઓ રૂ. 60 હજારની કિંમતની રોકડ રકમ અને ઘરેણાં ચોરી ગયા છે.
પોલીસે કહ્યું કે નંદનવન સંકુલમાં આવેલા જ્યોતિ આમગેનાં ઘરમાં રાતે 1 અને 3.30 વાગ્યાની વચ્ચેના સમયમાં ચોરી થઈ હતી.
25 વર્ષનાં જ્યોતિ એમનાં માતા અને પિતા સાથે એક સમારંભમાં હાજરી આપવા માટે અમેરિકા ગયાં હતાં.
જ્યોતિ મંગળવારે વહેલી સવારે નાગપુરના ડો. બાબાસાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પાછા ફરી રહ્યા હોઈ એમનાં ભાઈ સતિષ આમગે અને એમના પત્નીએ ઘર બંધ કર્યું હતું અને જ્યોતિ તથા માતા-પિતાને તેડવા માટે એરપોર્ટ ગયા હતા.
એ તકનો લાભ લઈને ચોરો ઘરના આગળના દરવાજાનું તાળું તોડીને અંદર ઘૂસ્યા હતા અને કબાટ તોડીને એમાંથી સોનાની 3 વીંટી અને રૂ. 15 હજારની રોકડ રકમ લઈને ભાગી ગયા હતા. બધી મત્તાની કુલ કિંમત રૂ. 60 હજાર થવા જાય છે, એમ પોલીસે જણાવ્યું છે.
પરિવારજનો વહેલી સવારે 3.30 વાગ્યે ઘેર પાછા ફર્યા ત્યારે એમને ચોરીની જાણ થઈ હતી. એમણે મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોયું હતું.
પરિવારજનોએ તરત જ પોલીસને જાણ કરી હતી અને નંદનવન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તરત જ ત્યાં પહોંચી ગયો હતો. પોલીસે પંચનામું કર્યું હતું અને ઘરફોડીનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ અધિકારીએ કહ્યું છે કે તેઓ ગુનેગારોને ઓળખવા માટે મહોલ્લામાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજને ચેક કરી રહ્યાં છે. ગુનેગારોએ કબાટ તોડીને ખોલવા માટે કાર ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો.
ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ સંસ્થાના જણાવ્યાનુસાર, જ્યોતિ આમગે વિશ્વનાં સૌથી ટૂંકા કદનાં હયાત મહિલા છે. એમની ઊંચાઈ માત્ર 62.8 સેન્ટીમીટર (2 ફૂટ 6 ઈંચ) છે.
પુણે જિલ્લાના લોનાવલામાં આવેલા સેલિબ્રિટી વેક્સ મ્યુઝિયમમાં જ્યોતિનું મીણનું પૂતળું મૂકવામાં આવ્યું છે.