નાશિકઃ મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર સામે ગઈ 13 મેએ હિન્દૂ અને મુસ્લિમોના જૂથ વચ્ચે નજીવી બાબતમાં મોટો ઝઘડો થયો હતો. પરંતુ પોલીસે મધ્યસ્થી કરાવતાં વિવાદનો અંત આવ્યો હતો. પોલીસે બંને જૂથનાં લોકોને સમજાવ્યા હતા. તે પછી એ મામલે તપાસ હાથ ધરવા માટે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના આદેશાનુસાર અતિરિક્ત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના નેતૃત્ત્વ હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે. આજે, શહેરમાં હિન્દૂ મહાસભા સંગઠન દ્વારા ત્ર્યંબકેશ્વર મંદિરનું ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું હતું અને મહાઆરતી કરવામાં આવી હતી. એ વખતે મંદિર પરિસરમાં પોલીસનો ધરખમ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિરના પ્રવેશદ્વારની આસપાસ અને પ્રવેશદ્વાર પર ગંગાજળ છાંટીને અને ત્યારબાદ ફૂલોની પાંખડીઓનો વરસાદ કરીને તેનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું.
હિન્દૂ મહાસભાના પ્રમુખ આનંદ દવેએ કહ્યું છે કે ઘૂસણખોરો સામે સરકાર પગલું ભરે, નહીં તો તેના વિરોધમાં મહારાષ્ટ્રના તમામ મંદિરો બંધ કરી દેવામાં આવશે.
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથના વડા પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે ગયા શનિવારની રાતે મુસ્લિમોએ મંદિરની અંદર કોઈ પ્રકારની ઘૂસણખોરી કરી નહોતી. એ વખતે મુસ્લિમોનું ઉર્સ સરઘસ નીકળ્યું હતું અને પરંપરાનુસાર મુસ્લિમ શ્રદ્ધાળુઓએ મંદિરના પ્રવેશદ્વાર પાસે અગરબત્તી, ધૂપ પેટાવ્યા હતા. તેઓ વર્ષોથી આમ કરતા આવ્યા છે. ઘણા હિન્દૂ લોકો પણ હાજીઅલી, અજમેર તથા બીજી અનેક દરગાહોમાં જઈને દર્શન કરે છે, પ્રાર્થના કરતા હોય છે… આમાં ખોટું શું છે? કેટલીક વ્યક્તિઓએ હિન્દૂત્વના નામે ગેરસમજ ફેલાવીને રાજ્યમાં કોમી એકતાને બગાડવાનું ષડયંત્ર ઘડ્યું હોય એવું લાગે છે.
ઉર્સના આયોજકોએ પણ કહ્યું છે કે મંદિરમાં કોઈ પ્રકારની ઘૂસણખોરી કરાઈ નહોતી.