હાઇકોર્ટનો પશ્ચિમ બંગાળમાં રામનવમી હિંસા મામલે NIA તપાસનો આદેશ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ગયા મહિને રામ નવમી પર થયેલી હિંસાને મામલે તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કરશે. કલકત્તા હાઇ કોર્ટે આદેશ કર્યો છે કે આ મામલાની તપાસ NIA દ્વારા કરાવવામાં આવે. ગયા મહિને રામનવમી પર આયોજનોને મામલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં રમખાણો થયાં હતાં. એ દરમ્યાન તોડફોડ, આગચંપી અને પથ્થરમારોથી ઘટનાઓ બની હતી. સૌથી વધુ હિંસાત્મક ઘટનાઓ હાવડા અને દલખોલા જિલ્લામાં થઈ હતી.

ચીફ જસ્ટિસ ટીએસ શિવગણનમની અધ્યક્ષતામાં હાઇકોર્ટની બેન્ચ મામલાની સુનાવણી કરી રહી હતી. કોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો કે આ ઘટનાના તમામ બધા દસ્તાવેજ કેન્દ્ર સરકારને સોંપવામાં આવે, જેથી NIA મામલાની તપાસ શરૂ કરી શકે. આ પહેલાં હાઇકોર્ટે રાજ્ય સરકારને હાવડામાં રામ નવમીની રેલી દરમ્યાન થયેલી અથડામણ પર પાંચ એપ્રિલ સુધી એક્શન રિપોર્ટ આપવા માટે કહ્યું હતું. હાવડાના શિબપુર ક્ષેત્રમાં હિંસાત્મક ઘટનાઓ થઈ હતી. આ પ્રકારની ઘટનાઓ ઉત્તરી દિનાજપુર જિલ્લાના દલખોલામાં પણ જોવા મળી હતી.

કોર્ટ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ જનહિત અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં આ મામલાની NIA તપાસ કરવાની માગ કરવામાં આવી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે મેં સ્થિતિમાં કાબૂ મેળવવા, કાનૂન વ્યવસ્થા જાળવવા અને નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે આવાં ક્ષેત્રોમાં NIA તપાસ અને કેન્દ્રીય દળોની તત્કાળ તહેનાતી માટે પ્રાર્થના કરી હતી.

31 માર્ચે રામનવમી પર કાર્યક્રમોમાં રાજ્યમાં કોમી રમખાણો ફાટ્યાં હતાં.આ તોફાનો દરમ્યાન હાવડાના શિબપુર અને દિનાજપુરમાં તોફાનીઓએ દુકાનો અને વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં તોફાનીઓએ મિડિયા વાહનો અને પત્રકારો પર પણ હુમલો કર્યો હતો.