ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભીષણ ગરમીથી સ્થિતિ એ હદે અત્યંત ખરાબ બની છે કે રાજ્યના ગૃહવિભાગે પોલીસને આદેશ આપ્યાં છે કે તે પાણીના ટેન્કરો અને જળસ્ત્રોતોની દેખરેખ કરે. ત્યારે આ વચ્ચે રાજ્યમાં મુખ્ય વિપક્ષી દળ બીજેપીએ જળ સંકટ માટે કમલનાથ સરકારના મિસમેનેજમેન્ટને જવાબદાર ગણાવ્યું છે. તો મધ્યપ્રદેશના શહેરી પ્રશાસન પ્રધાન જયવર્ધન સિંહે વિપક્ષના આરોપ મામલે જવાબ આપતા જણાવ્યું કે કેટલાક ક્ષેત્રોમાં પાણીના વિતરણ દરમિયાન સંઘર્ષના સમાચારો બાદ કાયદો અને વ્યવસ્થાને બનાવી રાખવા માટે પોલીસને તહેનાત કરવામાં આવી છે.
રાજ્યના ગૃહપ્રધાન બાલા બચ્ચને મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે પોલીસ માત્ર તે સંવેદનશીલ જગ્યાઓ પર સુરક્ષા માટે તહેનાત રહેશે કે જ્યાં વિવાદ થવાની આશંકા છે. ઈન્દોરના એસએસપી રુચિ મિશ્રાએ જાવ્યું કે પોલીસ કર્મચારીઓને આવી જગ્યાઓ પર પહેલાં જ તહેનાત કરી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે જ્યારે પણ તેમને પ્રશાસન દ્વારા એલર્ટ કરવામાં આવે છે, ત્યારે તરત જ અમે પોલીસ તહેનાત કરીએ છીએ.
આ પહેલાં ગુરુવારના રોજ પન્ના જિલ્લામાં પાણીને લઈને થયેલા સંઘર્ષમાં 8 લોકો ઘાયલ થયા છે. ગત એક સપ્તાહમાં માત્ર ઈન્દોરમાં જ બે વાર પાણીને લઈને સંઘર્ષ થયો છે. આ પ્રકારના સંઘર્ષના સમાચારો આખા મધ્યપ્રદેશમાં ઘણીવાર સામે આવી રહ્યાં છે. આને જોતા રાજ્ય સરકારને પાણીના ટેન્કરો પાસે પોલીસ તહેનાત કરવી પડી છે.
જયવર્ધન સિંહે કહ્યું કે, તમામ જિલ્લાઓમાં પાણીના યોગ્ય સપ્લાય અને વિતરણની જરુર છે. ગૃહ વિભાગ પાણીની આપૂર્તિ પર નજર રાખી રહ્યું છે. આ સિવાય જળસ્ત્રોતોની પણ દેખરેખ કરવામાં આવી રહી છે, જેથી કોઈપણ અઘટીત ઘટનાને રોકી શકાય.
અમે ગૃહ વિભાગ સાથે મળીને સ્થિતીને સામાન્ય બનાવી રાખવા માટે કામ કરી રહ્યાં છીએ. જનતાએ ગભરાવાની કોઈ જરુર નથી.