શું બે મહિનામાં કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ? ગાંધી પરિવારની બહારની હશે વ્યક્તિ

નવી દિલ્હીઃ રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું પાછું ખેંચવાના ઇનકાર કર્યા પછી, પક્ષના નવા પ્રમુખની શોધમાં શીર્ષસ્થ નેતાઓ ઝડપ કરી રહ્યાં હોવાની માહિતી સૂત્રોના હવાલે બહાર આવી છે.. તેમ જ ગાંધી પરિવારે સ્પષ્ટ કર્યું છે કે પ્રિયંકા ગાંધી અધ્યક્ષ નહીં બને. તો સોનિયા ગાંધી પહેલેથી જ નાદુરસ્ત તબિયતને લઇને પોતાની સક્રિયતા ઓછી કરી ચૂક્યાં છે. ત્યારે કોંગ્રેસના મહત્ત્વના સૂત્રોનું માનીએ તો કોંગ્રેસના આગામી નવા અધ્યક્ષ ગાંધી પરિવારની બહારની કોઇ વ્યક્તિ હશે.કોંગ્રેસના નવા અધ્યક્ષ પદ માટે આગામી બે મહિનામાં નામ નક્કી કરી લેવામાં આવશે. હવે કોંગ્રેસમાં વિચારણા શરુ થઇ છે કે એવા કયા નેતાઓ છે જેના પર ગાંધી પરિવારની મૌન સંમતિ મળી શકે અને બાકીના વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓને પણ તે નામ સ્વીકાર્ય હોય. ચર્ચામાં સંભળાઇ રહેલાં નામોમાં કોંગ્રેસને મહારાષ્ટ્રમાંથી નવા અધ્યક્ષ મળી શકે છે.

આ મુદ્દે કેટલાક જાણકારોનું માનવું છે કે તેમ બની શકે છે. કારણ કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રીયન પક્ષ અધ્યક્ષ હોવો સારું રહેશે, કોંગ્રેસમાં હાલ અધ્યક્ષ પદનો કોઇ કાબૂ ન હોવાના કારણે વિવિધ રાજ્યોમાં ગેરશિસ્તના બનાવોમાં વધારો થઇ રહ્ય છે તે દિલ્હીમાં બેઠેલાં નેતાઓને ઉપાધિ કરાવી રહ્યો છે. ત્યાં પક્ષ અધ્યક્ષને લઇને પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા ખતમ થવી જોઇએ તેમ પણ ઘણાં નેતાઓનું માનવું છે, અનિશ્ચિતતા દૂર કરવી પક્ષના હિતમાં હોવાનું સૌ માની રહ્યાં છે.

રાહુલ ગાંધીએ જણાવી દીધું છે કે તેઓ સંસદમાં પક્ષની જવાબદારી સંભાળવા તૈયાર છે પરંતુ આગામી એક મહિનામાં પક્ષ પોતાના નવા અધ્યક્ષ પસંદ કરી લે. આપને જણાવીએ કે 25 મેએ યોજાયેલી સીડબ્લયૂસીની બેઠકમાં લોકસભા ચૂંટણીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાર્ટીના ધબડકાને લઇને વિશેષપણે રાહુલ ગાંધીએ પોતાની નારાજગી જાહેર કરી હતી.પોતાના વંશજોને ટિકિટ આપવાની જીદમાં મોટા નેતાઓ તેમના પ્રચારમાં જ લાગેલાં રહ્યાં અને અન્યત્ર ધ્યાન ન આપ્યું હોવાનું જણાવ્યું હતું.

આ બેઠકમાં જ હારની નૈતિક જવાબદારી સ્વીકાર કરતાં રાહુલ ગાંધીએ રાજીનામું ઓફર કર્યું હતું.જેને સીડબલ્યૂસીએ તરત જ પ્રસ્તાવ પાસ કરી અસ્વીકાર કર્યું હતું અને પક્ષમાં જે કંઇપણ આમૂલ ફેરફાર કરવા હોય તેના માટે રાહુલ ગાંધીને અધિકાર સોંપ્યો હતો. ત્યારે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ગાંધી પરિવાર કોના પર મત્તું મારશે.