ઈસરો પરિસરમાં સર્જાયા ભાવુક દ્રશ્યો: વડાપ્રધાને કહ્યું-આપણે હાર્યા નથી

બેંગ્લુરુ: ચંદ્રયાન-2 મિશનના વિક્રમ લેન્ડર ગઈ રાતે ચંદ્રની ધરતી પર ઉતરણ કરવાથી માત્ર 2.1 કિલોમીટર દૂર હતું ત્યારે ઈસરોના મિશન કન્ટ્રોલ સેન્ટર સાથે સંપર્ક તૂટી જતાં નિરાશા ફરી વળી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે દેશને રાષ્ટ્ર સંબોધન કરવા માટે ઈસરોના સેન્ટર ખાતે પહોંચ્યા હતાં. અહી તેમણે વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો અને કહ્યું કે, હું તમારી સાથે છું, સમગ્ર દેશ તમારી સાથે છે.

વડાપ્રધાન મોદી સંબોધન બાદ જ્યારે બેગ્લુરુ સ્થિતિ સ્પેસ સેન્ટરથી બહાર નિકળી રહ્યાં હતા ત્યારે કેમ્પસમાં ભાવુક દ્રશ્યો સર્જાયાં હતા. ઈસરોના ચેરમેન કે. સિવન વડાપ્રધાન મોદીને ભેટીને રડી પડ્યાં હતાં. પીએમ મોદીએ પણ તેમને એક નાના બાળકની જેમ ગળે લગાવી પીઠ થપથપાવીને તેમની હિંમત વધારી હતી. આ દરમિયાના પીએમ મોદીની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

 

વડાપ્રધાન મોદીએ તેમના સંબંધોનમાં કહ્યું કે, મિત્રો હું કાલ રાતની તમારી મનોસ્થિતિ સમજી શકું છું. તમારી આંખો ઘણું બધુ કહી રહી હતી. તમારા ચહેરા પરની ઉદાસી હું સમજી શકતો હતો. હું વધારે સમય તમારી વચ્ચે ન રહી શક્યો. ઘણી રાતોથી તમે ઉંઘ્યા નથી. તમે છતાં મને થયું કે, સવારે હું તમને બોલાવું અને તમારી સાથે વાત કરું.

આ મિશન સાથે જોડાયેલા દરેક વ્યક્તિ હાલ એક અલગ જ અવસ્થામાં છે. બહુ સવાલો છે તમારા મનમાં. ખૂબ સફળતા સાથે આગળ વધતા ગયા અને અચાનક બધુ દેખાતુ બંધ થઈ ગયું. મેં પણ આ ક્ષણો તમારી સાથે જીવી છે. મિત્રો આજે ભલે અસફળતા હાથ લાગી હોય,તેનાથી આપણો જુસ્સો નબળો નથી પડયો પરંતુ વધુ મજબૂત બન્યો છે. દેશને સ્પેસ પ્રોગ્રામ અને વૈજ્ઞાનિકો પર ગર્વ છે.