નવી દિલ્હી- ગઈકાલે સામે આવેલી ઉત્તરપ્રદેશના હાપુરની મહિલાની દર્દનાક ઘટનામાં વધુ હેવાનિયત ભરેલી વિગતો હવે સામે આવી રહી છે. સુનીતા (નામ બદલ્યું છે)નું આખુ શરીર સળગી ગયું છે. સુનીતાના ચહેરાને છોડીને આખા શરીર પર પટ્ટીઓ બાંધેલી છે. તેમનું શરીર 75-80 ટકા સળગી ગયું છે. દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી સુનીતાએ કહ્યું કે, કાશ હું મરી જાત. કોઈ પણ આ પ્રકારના જખ્મોને સહન કરવા નથી ઈચ્છતું, પરંતુ હવે જ્યારે મારું શરીર આટલું સળગી ગયું છે તો કમ સે કમ એ લોકો મારો રેપ તો નહીં કરે.
સુનીતાએ 28 એપ્રિલ 2019ના રોજ ઉત્તર પ્રદેશમાં તેમના એક મિત્રના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરતા પોતાને આગને હવાલે કરી દીધી હતી. સુનીતાની કહાની કાળજા કંપાવી નાખે તેવી છે. આ ઘટનામાં આરોપ છે કે, સુનીતાના પિતાએ તેમને 10 હજાર રૂપિયામાં વેચી દીધી હતી, ત્યાર અનેક લોકોએ તેની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો અને રેપ કર્યો. એટલું જ નહીં પોતાના પર આચરવામાં આવેલ દુષ્કર્મની ફરિયાદ લઈને સુનીતા અનેકવાર પોલીસ સ્ટેશન ગઈ હતી પરંતુ ફરિયાદ તો લખવાની વાત દૂર પોલીસે તેની એક વાત સાંભળી નહોતી.
14 વર્ષની ઉંમરે જ કરાવી દીધાં લગ્ન
23 વર્ષની સુનીતાના જીવનમાં ખૂબ નાની ઉંમરથી જ મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હતો. તે કહે છે કે 2009માં મારા પિતાએ 14 વર્ષની વયે જ મારા લગ્ન ઉંમરમાં ખૂબ મોટા વ્યક્તિ સાથે કરાવી દીધાં હતાં. જેણે થોડા સમય મારા પર અમાનવીય ત્રાસ ગુજાર્યા બાદ મને છોડી દીધી હતી.
છેલ્લાં કેટલાય સમયથી પોતાની સાથે કરવામાં આવતાં દુષ્કર્મની ફરિયાદ જ્યારે પોલીસે કે પછી મુખ્યમંત્રી હેલ્પ લાઈન નંબર પર પણ સાંભળવામાં ન આવી ત્યારે તેને પોતાને આગને હવાલે કરવા સિવાય કોઈ રસ્તો દેખાયો નહીં. સમગ્ર ઘટના ગઈકાલે મીડિયામાં આવ્યા બાદ પોલીસે FIR નોંધવાની તસદી લીધી હતી. જેની કોપી અગ્રણી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પાસે છે જેમાં પીડિતાએ જણાવ્યું છે કે પાંચ વર્ષમાં તેની સાથે જુદા જુદા સમયે 16 જેટલાં લોકોએ દુષ્કર્મ આચર્યું છે. તેમ જ FIRમાં તેના હાલના પતિને પણ આ નરાધમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ છે.
20 લોકોએ મારો રેપ કર્યો
તેના પિતાએ પોતાની પત્ની માટે જરુરી ચીજવસ્તુ ખરીદવા માટે 10,000 રૂપિયામાં મને વેચી દીધી. સુનીતાએ આરોપ મૂકતાં કહ્યું કે, મારો બીજો પતિ તો રાક્ષસ હતો. તેણે અનેકવાર પોતાના મિત્રો પાસે મારા પર દુષ્કર્મ કરાવ્યું. કારણ કે, તે બધાંને ખબર હતી કે મારો પતિ તેમના મોજશોખ માટે મને ગમે ત્યારે ઉપલબ્ધ કરાવી શકતો હતો. તેમને લાગતું હતું કે, હું નબળી છું અને મારું શોષણ થઈ શકે છે. અત્યાર સુધીમાં 20 જેટલા પુરુષોએ મારો રેપ કર્યો છે. અને મારા પર એસિડ ફેંકવાની ધમકી પણ આપી.
કયારેય ન્યાય ન મળ્યો
ભયંકર પીડા વચ્ચે સુનીતા આરોપ લગાવે છે કે, ‘મે ન્યાય મેળવવા અનેક પ્રયાસ કર્યા પરંતુ ક્યારેય ન્યાય ન મળ્યો ન તો મારા પિતાએ અને ન તો પોલીસે મારી મદદ કરી. તેને રુંધાઈ ગયેલા સ્વરે કહ્યું કે, મે અનેકવાર ફરિયાદ નોંધાવી પરંતુ હમેશાં મને એક જ જવાબ મળતો તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં કોઈ FIR નોંધવામાં આવી નહીં. છેવટે હું નિરાશ થઈ ગઈ અને જીવનથી હારી ગઈ એટલે મારી જાતને ખત્મ કરી નાખવાનો નિર્ણય લીધો
બીજો પતિ રાક્ષસ હતો
સુનીતાએ કહ્યું કે ‘મારો બીજો પતિ મારા પિતાનો જ મિત્ર હતો. તે મારા પર હાથ ઉપાડતો હતો અને જબરજસ્તી કરતો હતો. તેમ જ પોતે બીજા મિત્રો પાસેથી રુપિયા ઉધારે લીધા હોવાથી તે ચૂકવવાની જગ્યાએ તેમના ઘરે કામ કરવા માટે મને જબરજસ્તી કરીને મોકલતો હતો પછી ત્યારે આ મિત્રો….. ‘ આટલું બોલીને આગળ એક પણ શબ્દ બોલી શકવા અસમર્થ સુનીતા પોતાનું મોઢું ફેરવી લે છે. જે તેના શરીર અને મન પર રહેલા પીડાના ઘા સૂચવે છે.
ખરાબ સમયમાં દોસ્ત આવ્યો કામ
તેની સાથે હોસ્પિટલમાં રહેલા ઋષભ(નામ બદલ્યું છે) તરફ ઈશારો કરીને સુનીતાએ કહ્યું કે, મુશ્કેલી ભરેલા આ સમયમાં બસ એક જ વ્યક્તિ મારો સહારો બન્યો છે. ઋષભે કહ્યું કે, ‘તેના માતાપિતા, બે ભાઈ અને બહેને તેને છોડી દીધી છે. તેની પાસે એવું કોઈ નથી જેને તે પોતાનું કહી શકે આ સમયે તેને સૌથી વધુ મારી જરુર છે. એક મિત્ર અને એક પાર્ટનર તરીકે હું કોઈપણ સ્થિતિમાં તેને આ રીતે છોડીને જઈ શકું નહીં.’ ઋષભે આરોપ મૂક્યો કે, ‘સુનીતાને 3 બાળકો છે. એક પહેલાં પતિથી, બીજું બીજા પતિથી અને ત્રીજુ સંતાન આ રેપ કરનાર પૈકી કોઈ એક વ્યક્તિનું છે. આ ત્રણેય સંતાનોને તેના બીજા પતિએ પોતાના કબજામાં રાખ્યા છે. જેથી આ સંતાનોને સુનીતા વિરુદ્ધ હથિયાર તરીકે ઉપયોગ કરી શકે.’
બે હોસ્પિટલ બદલીને દિલ્હી લાવવામાં આવી
હાપુડમાં બે હોસ્પિટલ બદલીને સુનીતાને અંતે દિલ્હી લાવવામાં આવી છે. હાલ તેમની હાલત સ્થિર છે પરંતુ ચિંતાજનક છે. ઋષભનો આરોપ છે કે, આ બધી ઘટના માટે સુનીતાના પિતા જ જવાબદાર છે.
સુનીતાનો મિત્ર તેના સાથે કરશે લગ્ન
ઋષભે કહ્યું કે, ‘પોતે હાલ સુનીતા આ પીડામાંથી ઉગરી જાય તેની રાહ જોઈ રહ્યો છે. જે બાદ કાયદેસર ડિવોર્સ લઈને તે સુનીતા સાથે લગ્ન કરશે. જોકે FIRમાં કહેવામાં આવ્યું કે બંનેએ પહેલાં જ લગ્ન કરી લીધા છે અને 22 એપ્રિલ 2019ના લગ્ન રજિસ્ટર્ડ પણ કરવામાં આવ્યાં છે. ફરિયાદ મુજબ મુરાદાબાદમાં પોતાના મિત્રના ઘરે સુનીતાએ નરાધમોના સતત ધમકીભર્યા ફોનથી કંટાળીને જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો.
આ મામલે હવે જાગેલ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ નોટિસ સંબંધિત વિભાગોને પાઠવી છે.