સરકાર વિ સંગઠનઃ ઉત્તર પ્રદેશમાં CM, ડેપ્યુટી CM બદલાશે?

લખનૌઃ ઉત્તર પ્રદેશ ભાજપમાં બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું. રાજ્યમાં 10 વિધાનસભાની સીટો પર પેટા ચૂંટણી થવાની છે, જેથી CM યોગી આદિત્યનાથે મંત્રીઓની સાથે એક મહત્ત્વની બેઠક કરી છે, જેમાં આગામી પેટા ચૂંટણીની તૈયારીઓ અને લોકસભા ચૂંટણીનાં પરિણામો પર ચર્ચા કરવામાં આવી છે. જોકે આ બેઠકમાં રાજ્યના બંને ઉપ મુખ્ય પ્રધાનો –કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક ગેરહાજર રહ્યા હતા.

આ બેઠક પૂરી થયા પછી સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યું હતું કે આ બેઠક સંગઠનની નહીં, પણ સરકારના મંત્રીઓની હતી. તો પછી બંને ઉપ મુખ્ય મંત્રીઓ ગેરહાજર કેમ હતા? આ સિવાય પેટા ચૂંટણી માટે CM યોગીએ 30 મંત્રીઓની એક ટીમ તૈયાર કરી છે. આ ટીમમાં બંને ડેપ્યુટી CM –મૌર્ય અને પાઠકમાંથી કોઈને પણ સ્થાન આપવામાં નથી આવ્યું. આવામાં રાજ્યના રાજકારણમાં સવાલ ઊભા થવા માંડ્યા છે કે શું રાજ્યમાં સરકાર વિરુદ્ધ સંગઠનની લડાઈ શરૂ થઈ છે. શું રાજ્ય સરકારમાં જલદી કોઈ મોટો ફેરબદલ થવાનો છે? શું રાજ્યના નેતૃત્વમાં કોઈ ફેરફાર થવાની શક્યતા છે?

ભાજપાઅધ્યક્ષ જેપી નડ્ડાની સાથે ડેપ્યુટી CMની મુલાકાત આશરે એક કલાક જેટલી લાંબી ચાલી હતી, જે પછી રાજ્યમાં સરકાર વિરુદ્ધ સંગઠનનો વિવાદ ઘેરો બન્યો છે. છેલ્લા 48 કલાકમાં મૌર્યની નડ્ડા સાથે આ બીજી બેઠક હતી. આ પહેલાં ડેપ્યુટી CMએ 14 જુલાઈએ નડ્ડા સાથે મુલાકાત કરી હતી. એ દિવસે પહેલી વાર સરકાર વિરુદ્ધ સંગઠનનો વિવાદ ઊભો થયો હતો.

કેટલાક અહેવાલો મુજબ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ આ સંકટને નિવારવા માટે રાજ્યમાં પાર્ટીમાં કેટલાક ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યું છે. મૌર્ય RSSના ટેકાથી પાર્ટીનો OBC ચહેરો છે. તેમને આ સંકટને હલ કરવા માટે પાર્ટીમાં કોઈ મોટું પદ પણ અપાય એવી શક્યતા છે. સવાલ અનેક છે, પણ જવાબ માટે હજી થોડી રાહ જોવી પડે એમ છે.