નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે કહ્યું છે કે દેશમાં અપરાધીઓને સજાની જોગવાઈ દર્શાવતી કલમોના સંગ્રહ ધરાવતા તમામ ત્રણ કાયદા – ઈન્ડિયન પીનલ કોડ (ભારતીય ફોજદારી ધારા), ક્રિમિનલ પ્રોસીજર કોડ અને એવિડન્સ એક્ટમાં કેન્દ્ર સરકાર આવનારા દિવસોમાં ફેરફાર કરવાની છે.
અહીં એક કાર્યક્રમમાં બોલતાં અમિત શાહે કહ્યું કે કોઈ પણ અપરાધમાં ગુનેગારને શક્ય એટલી ઝડપે સજા કરાવી શકાય એ માટે ફોરેન્સિક તપાસને પણ ફરજિયાત બનાવવામાં આવશે.
ઈન્ડિયન પીનલ કોડની રચના બ્રિટિશ શાસન વખતે, 1860ની 6 ઓક્ટોબરે કરવામાં આવી હતી. ત્યારપછી એમાં ઘણા સુધારા-વધારા કરવામાં આવ્યા છે. આને સંબંધિત ક્રિમિનલ પ્રોસીજર કોડની રચના 1973માં કરવામાં આવી હતી.