ભારતનું રોડ-નેટવર્ક અમેરિકા જેવું થઈ જશેઃ ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ આજે રાજ્યસભામાં કહ્યું કે દેશમાં રસ્તાઓ પર પાયાની સુવિધાઓ માટે સરકાર એવી રીતે આયોજન કરી રહી છે કે 2024 સુધીમાં એ અમેરિકા જેવા બની જશે. સંસદના ઉપલા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન ગડકરીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, માર્ગ સુરક્ષા વિશે લોકોમાં જાગૃતિ જગાડવા માટેના પ્રયાસો ચાલુ છે.

ગડકરીએ એમ પણ કહ્યું કે નેશનલ હાઈવે ઉપર અકસ્માતોની સંખ્યા ચિંતાજનક છે. ભારતમાં દર વર્ષે રોડ અકસ્માતોમાં આશરે દોઢ લાખ જેટલા લોકો એમના જાન ગુમાવે છે.