નવી દિલ્હી- એક તરફ ઈસરોના વૈજ્ઞાનિક ચંદ્રયાન-2ને લોન્ચિંગની તૈયારીમાં વ્યસ્ત છે અને દેશનું નામ રોશન કરવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યાં છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે ઈસરોના વૈજ્ઞાનિકોનો પગાર કાપી લીધો છે. કેન્દ્ર સરકારે 12 જૂન 2019ના રોજ જાહેર કરેલા એક આદેશમાં કહ્યું કે, ઈસરો વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને વર્ષ 1996થી બે અતિરિક્ત વેતન વૃદ્ધિના રૂપમાં મળી રહેલ પ્રોત્સાહન અનુદાન રકમને બંધ કરવામાં આવી રહી છે.
આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 1 જુલાઈ 2019થી આ પ્રોત્સાહન રકમ બંધ થઈ જશે. આ આદેશ પછી D,E,F અને G શ્રેણીના વૈજ્ઞાનિકોને આ પ્રોત્સાહન રકમ હવે નહી મળે. ઈસરોમાં અંદાજે 16 હજાર વૈજ્ઞાનિક અને એન્જીનિયર છે. પરંતુ આ સરકારી આદેશથી ઈસરોના અંદાજે 85થી 90 ટકા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને સેલેરીમાં 8થી 10 હજાર રૂપિયાનું નુકસાન થશે. કારણ કે મોટાભાગના વૈજ્ઞાનિકો આ જ શ્રેણીમાં આવે છે. જેને લઈને ઈસરો વૈજ્ઞાનિકો નારાજ છે.
મહત્વનું છે કે, વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા, ઈસરો તરફ તેમનું આકર્ષણ વધારવા અને સંસ્થાન છોડીને ન જાય તે માટે વર્ષ 1996માં આ પ્રોત્સાહન રકમ શરુ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી જાહેર આદેશમાં કહેવામાં આવ્યું છે કે, છઠ્ઠા પગાર પંચની ભલામણોને આધાર પર નાણાં મંત્રાલય અને ખર્ચ વિભાગે અંતરિક્ષ વિભાગને સલાહ આપી હતી કે, તે આ પ્રોત્સાહન રકમ બંધ કરે. તેની જગ્યાએ માત્ર પ્રદર્શન રિલેટેડ ઈન્સેન્ટિવ સ્કીમ (PRIS) લાગુ કરવામાં આવી છે.
અત્યાર સુધી ઈસરો તેમના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન રકમ અને PRIS સ્કીમ બંને સુવિધા આપી રહી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, અતિરિક્ત પગારના આધાર પર ચૂકવાતી આ પ્રોત્સાહન રકમ 1લી જૂલાઈથી મળવાની બંધ થઈ જશે.
ઈસરોમાં કોઈ પણ વૈજ્ઞાનિકની ભરતી C શ્રેણીથી શરુ થાય છે. ત્યાર પછી તેમનું પ્રમોશન D,E,F,G અને આગળની શ્રેણીઓમાં થાય છે. દરેક શ્રેણીમાં પ્રમોશન પહેલાં એક ટેસ્ટ હોય છે, તેમને પાસ કરનારને આ પ્રોત્સાહન અનુદાન રકમ મળે છે.
ઈસરો સતત તેમના લક્ષ્યો પ્રાપ્ત કરી રહ્યું છે, પરંતુ 2017માં આઈ મીડિયા રિપોર્ટનું માનીએ તો એક આરટીઆઈથી જાણકારી મળી છે કે, 2012થી 2017ની વચ્ચે ઈસરોમાંથી 289 વૈજ્ઞાનિકોએ નોકરી છોડી દીધી હતી. આને ઈસરો માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે.