દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટ્યા, રિકવરી રેટ વધ્યો છેઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મૃત્યુદરમાં ઘટાડો અને કોરોના વાઇરસના રિકવરી રેટમાં વધારો જણાવે છે કે ભારત રોગચાળા સામે યોગ્ય દિશામાં કામ કરી રહ્યું છે. તેમણે એ પણ કહ્યું હતું કે દેશમાં દરેક રાજ્યની આ જીવલેણ બીમારીના પ્રસારને નિયંત્રિત કરવામાં મહત્ત્વની ભૂમિકા રહી.

વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનોને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે દરેક રાજ્ય કોવિડ-19 રોગચાળાને કારણે ઊભા થયેલા પડકારો સામે લડાઈ લડી રહ્યું છે. દરેક રાજ્યની ભૂમિકા કોરોના વાઇરસના પ્રસારને નિયંત્રણમાં બહુ મહત્ત્વપૂર્ણ છે.

સરકાર દ્વારા લેવાયેલાં પગલાં યોગ્ય દિશામાં

તેમણે કહ્યું હતું કે સરેરાશ મૃત્યુદર સતત ઘટી રહ્યો છે, જ્યારે રિકવરી રેટ પ્રત્યેક દિવસે વધી રહ્યો છે. આનાથી માલૂમ પડે છે સરકાર દ્વારા લેવાયેલાં પગલાં યોગ્ય દિશામાં છે. વડા પ્રધાને કહ્યું હતું કે નિષ્ણાતો હવે કહી રહ્યા છે કે જો 72 કલાકની અંદર કોઈ પણ વ્યક્તિને વાઇરસનો ચેપ લાગ્યાનું નિદાન થઈ જશે તો પ્રસારને અટકાવવા માટે તમામ પગલાં લઈ શકાય છે. આના માટે મહત્ત્વનું છે કે બધા લોકો જે એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે, તેમનું 72 કલાકની અંદર પરીક્ષણ કરવામાં આવવું જોઈએ.

અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાથી સંબંધિત સ્થિતિ પર ચર્ચા કરવા માટે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનોની સાથે એક વિડિયો કોન્ફરન્સ કરી હતી.

રાજ્યોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ

મુખ્ય પ્રધાનોને સંબોધિત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે આશરે 10 ટકા સક્રિય કેસો આ 10 રાજ્યોમાં છે. એટલા માટે કોરોના વાઇરસની સામેની લડાઈમાં આ રાજ્યોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે દેશમાં છ લાખ સક્રિય કેસોમાંથી આ 10 રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના કેટલાક જિલ્લાઓમા એક તબક્કો હતો, જ્યારે કોવિડ-19 એક ગંભીર સમસ્યા હતી. એક સમીક્ષા બેઠક અને એક સમિતિની રચના અમિત શાહની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી અને મોટા ભાગે અમે એ પરિણામ પ્રાપ્ત કરી શક્યા, જે અમે ઇચ્છયાં હતાં.

તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસ માટેનાં ટેસ્ટિંગ પ્રતિ દિન સાત લાખે પહોંચ્યાં છે અને એ હજી વધી રહ્યાં છે. પ્રત્યેક દિવસે મોટી સંખ્યામાં ટેસ્ટિંગથી સંક્રમણને ઓળખવામાં અને રોકવામાં મદદ મળી રહી છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીનો અમારો અનુભવ એ છએ કે કન્ટેનમેન્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સર્વેલન્સ કોવિડ-19ની સામે સૌથી અસરકારક હથિયાર છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોવિડ-19ના સંક્રમિતોની સંખ્યા વધીને 22,68,676 થઈ ગઈ છે, જેમાં 6,39,929 સક્રિય કેસો છે, જ્યારે 15,83,490 લોકો આ બીમારીને માત આપવામાં સફળ થયા છે. જોકે અત્યાર સુધી આ રોગથી 45,254 લોકોનાં મૃત્યુ થયાં છે.