કોરોના વાઇરસ સામે આ વર્ષે માસ્કથી છુટકારો મળશે? જાણો…

નવી દિલ્હીઃ કોરોના રોગચાળા સામે દેશ 15 મહિનાથી ઝઝૂમી રહ્યો છે. કોઈ પણ ભોગે આપણે આ લડાઈ જીતવી છે. વાઇરસ કેટલા પણ રંગ બદલે, મ્યુટેટ થઈ જાય. વાઇરસને જીવતા રહેવા માટે માનવના સેલ જોઈએ, પણ જો તે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરે, માસ્ક પહેરે તો એ લડાઈ તેના હકમાં જશે. આમાં સૌથી મોટી ભૂમિકા માસ્કની છે. માસ્ક એક સોશિયલ રસી છે.

LNJPના ડિરેક્ટર ડો. સુરેશકુમારે કહ્યું હતું કે માસ્ક બહુ જરૂરી છે. એનાથી છુટકારો ત્યારે મળશે, જ્યારે 80 ટકા વસતિનું રસીકરણ થઈ જાય અને હર્ડ ઇમ્યુનિટી બની જાય. આવી સ્થિતિમાં ઇન્ફેક્શન ફેલાવાનું જોખમ ઓછું થાય છે અને વાઇરસના બદલાવની શક્યતા પણ ઓછી થાય છે. આપણે ત્યાં હજી પાંચ ટકા વસતિને બંને ડોઝ લાગ્યા છે. આ સ્થિતિમાં આપણે માસ્ક હટાવવાની વાત વિચારી નથી શકતા.

એમ્સના મેડિસિન વિભાગના ડો. નીરજ નિશ્ચલે કહ્યું હતું કે આપણે બધા ત્રીજી લહેરની વાત કરીએ છીએ, વાઇરસના બદલાવ અને નવા વેરિયેન્ટ, જેમાં ડેલ્ટા અને ડેલ્ટા પ્લસની વાત થઈ રહી છે. એટલે આપણે માસ્ક પહેરવાની આદતને જાળવી રાખવી પડશે. હિન્દુરાવ હોસ્પિટલના ડોક્ટર ડીકે દાસે કહ્યું હતું કે આ વર્ષે તો માસ્ક ના છુટકારાને ભૂલી જાઓ, જ્યારે દિલ્હી મેડિકલ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ ડો. હરીશ ગુપ્તાએ કહ્યું હતું કે અમે સરકારને અપીલ કરીએ છીએ કે એ લોકોમાં માસ્ક વહેંચે. લોકો જેટલા માસ્ક પહેરશે, તેટલું સંક્રમણ ફેલાવાનું જોખમ ઓછું થશે.