જનરલ બિપિન રાવત બનશે પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ

નવી દિલ્હીઃ સેનાધ્યક્ષ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) હશે. કેન્દ્ર સરકારે રવિવારના રોજ આ પોસ્ટ મામલે ઉંમરની સીમા વધારી હતી. ઉલ્લેખનીય છે કે રાવત 31 ડિસેમ્બરના રોજ સેનાધ્યક્ષ પદથી રિટાયર થઈ રહ્યા છે. રાવતની જગ્યાએ મનોજ મુકુંદ નરવણે નવા આર્મી ચીફ હશે. સીડીએસનું પદ “ફોર સ્ટાર” જનરલના સમકક્ષ હશે અને તમામ નેતાઓના પ્રમુખોમાં સૌથી ઉપર હશે.

ઉલ્લેખનીય છે કે રક્ષા મંત્રાલયે સેના નિયમો, 1954 માં કાર્યકાળ અને સેવાના નિયમોમાં સંશોધન કર્યું છે. મંત્રાલયે 28 ડિસેમ્બરના રોજ પોતાના એક નોટિફિકેશનમાં કહ્યું છે કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અથવા ટ્રાઈ-સર્વિસીઝ પ્રમુખ 65 વર્ષની ઉંમર સુધી સેવા આપી શકશે. આમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર જો જરુરી સમજે તો જનહિતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની સેવાને વિસ્તારી શકે છે. જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ પદથી 31 ડિસેમ્બરના રોજ સેવા નિવૃત્ત થશે. વર્તમાન નિયમો અનુસાર, ત્રણ સેવાઓના પ્રમુખ 62 વર્ષના આયુષ્ય સુધી અથવા તો ત્રણ વર્ષ સેવા આપી શકે છે.

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 24 ડિસેમ્બરના રોજ CDS પોસ્ટ અને તેના ચાર્ટર તેમજ ડ્યૂટીઝને મંજૂરી આપી દીધી હતી. ખાસ વાત એ છે કે સીડીએસ, પદ છોડ્યા બાદ કોઈપણ સરકારી પદને ગ્રહણ કરવાના પાત્ર નહી હોય.

CDS  આર્મી, એરફોર્સ અને નેવીના એકીકૃત સૈન્ય સલાહકાર હશે. 199 માં ગઠિત કરવામાં આવેલી કારગિલ સુરક્ષા સમિતિએ આ મામલે ભલામણ આપી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિનો ઉદ્દેશ્ય ભારત સામે આવનારા સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે ત્રણે સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાનો છે. વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટના રોજ ઐતિહાસિક સૈન્ય સુધારની જાહેરાત કરતા કહ્યું કે ભારતની ત્રણેય સેના માટે એક પ્રમુખ હશે, જેને CDS કહેવામાં આવશે.

વડાપ્રધાનની જાહેરાત બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતામાં એક અમલીકણ સમિતિ (Implementation committee) નું ગઠન કરવામાં આવ્યું જે CDS ની નિયુક્તિની પદ્ધતીઓ અને તેની જવાબદારીઓને અંતિમ રુપ આપવાનું કામ કર્યું.