જયપુર: દેશમાં પ્રથમ વખત જવાબદારી કાયદો લાગુ થવા જઈ રહ્યો, જેની શરૂઆત રાજસ્થાનમાં ગેહલોત સરકારે કરી છે, કાયદો ઘડાઈ ગયો છે નવા વરસમાં તેને લાગુ કરી દેવામાં આવશે. જવાબદારી કાયદા હેઠળ 25 વિભાગોની 220 સેવાઓને સામેલ કરવામાં આવી છે. ગેહલોત સરકાર જવાબદારી કાયદાના માધ્યમથી સરકારી અધિકારી અને કર્મચારીઓની મનમાની પર અંકુશ લાદવા અને સામાન્ય જનતાને રાહત આપવાનો પ્રયત્ન કરી રહી છે. અગાઉ રાજ્યની સત્તા સંભાળતાની સાથે જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી નક્કી કરવાની જાહેરાત કરી હતી. આના માટે તેમણે દેશમાં પ્રથમ વખત રાજ્યમાં જવાબદારી કાયદો બનાવવાની વાત કરી હતી.
કાયદો તૈયાર કરવા માટે ગેહલોતે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી હતી. કમિટીએ ગેહલોતની મંશા અનુસાર કાયદાનું ધડતર કર્યું છે. હવે નવા વર્ષમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ કાયદાને લાગુ કરી દેવામાં આવશે. આ કાયદામાં પંચાયતી રાજ, જળ, સ્વાયત્ત શાસન, જાહેર બાંધકામ, સિંચાઈ, ઊર્જા, ખાદ્ય અને નાગરિક પુરવઠા, પરિવહન, કૃષિ, કૃષિ માર્કેટિંગ, સ્થાનિક સંસ્થાઓ, સામાજિક ન્યાય અને અધિકારીતા, શિક્ષણ, આરોગ્ય, દેવસ્થાન, ગ્રામીણ વિકાસ વગેરે વિભાગો અને જિલ્લા કલેક્ટર કચેરીઓ સાથે સંકળાયેલ સેવાઓનો સમાવેશ કર્યો છે.
રાજ્યના સ્વાયત શાસનમંત્રી શાંતિ ધારીવાલનો દાવો છે કે, દેશમાં પ્રથમ વખત રાજસ્થાનમાં આ પ્રકારનો કાયદો અમલમાં આવશે. તેમણે જણાવ્યું કે, સર્વિસની ગેરંટી અને અધિકારીઓની જવાબદારીને આ કાયદામાં સામેલ કરવામાં આવી છે. જવાબદારી કાયદા હેઠળ પ્રદેશમાં દરેક પંચાયત સમિતિ અને નગર પાલિકા સ્તરે સુનાવણી થશે. જેના મદદ કેન્દ્રો પણ સ્થાપિત થશે. ઉપખંડ અધિકારીઓની આગેવાનીમાં એક કમિટીની રચના થશે. આ કમિટી સામાન્ય લોકોને પાણી,વીજળી, શૌચાલય, રસ્તા, રાશન, જન્મપ્રમાણપત્ર, મૃત્યુ પ્રમાણ પત્ર, જાતિ પ્રમાણપત્ર, વિધવા પેન્શન, ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત સામાન્ય લોકો સાથે જોડાયેલી સમસ્યાઓની સુનાવણી કરશે.
સુનાવણી પછી સંબંધિત વિભાગના અધિકારીઓની જવાબદારી રહેશે કે, તે ફરિયાદોનું નિરાકરણ કરે. જો એક મહિનાની અંદર ફરિયાદનું નિરાકરણ નહીં આવે તો સંબંધિત અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એક મહિના પછી ફરિયાદ પર જિલ્લા સતર્કતા સમિતિ સુનાવણી કરશે. જિલ્લા સ્તરીય સમિતિએ મામલાઓનું નિરાકરણ નક્કી કરેલા સમય પર કરવું પડશે, આમા જો કોઈ અધિકારી કે કર્મચારી વિલંબ કરવાનો પ્રયત્ન કરશે તો તેમને દંડ કરવામાં આવશે.
કમિટીએ દેશ અને પ્રદેશના જૂદા જૂદા સમાજિક સંગઠનોના પ્રતિનિધિઓ, વકીલો, પ્રોફેસર્સ અને સામાન્ય લોકોના મંતવ્યો લઈને કાયદો તૈયાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગેહલોતે તેમના અગાઉના કાર્યકાળમાં દેશમાં પ્રથમ વખત માહિતનો અધિકાર કાયદો રાજસ્થનમાં જ લાગુ કર્યો હતો.