નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીને લોકસભા ચૂંટણી પહેલાં મોટો આંચકો લાગ્યો છે. પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસનાં બધાં પદો પર અને પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપ્યું છે. એના થોડા કલાકો પછી તેઓ ભાજપમાં સામેલ થયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે સોશિયલ મિડિયા પોસ્ટમાં રાજીનામું આપતી વખતે પાર્ટી છોડવાનું કારણ પણ આપ્યું હતું.
પોતાના રાજીનામાની પોસ્ટમાં ગૌરવ વલ્લભે કહ્યું હતું કે હું જ્યારે પાર્ટીમાં જોડાયો હતો તે સમયની કોંગ્રેસ અને અત્યારની કોંગ્રેસમાં દુનિયાનો તફાવત છે.’ આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે તેઓ સવાર-સાંજ સનાતનવિરોધી સૂત્રો લગાવી શકતા નથી કે દેશના સંપત્તિ સર્જકોનો દુરુપયોગ કરી શકતા નથી. તેથી તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદની સાથે તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે.
ગૌરવ વલ્લભે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં કહ્યું હતું કે હું ભાવુક છું. મન વ્યથિત છે. મારે ઘણું કહેવું છે, લખવું છે, પરંતુ, મારા સંસ્કાર મને આવું કંઈ પણ કહેવાની મનાઈ કરે છે જેનાથી બીજાને દુઃખ થાય. તેમ છતાં, આજે હું મારા વિચારો તમારી સમક્ષ મૂકી રહ્યો છું, કારણ કે મને લાગે છે કે સત્ય છુપાવવું એ પણ ગુનો છે, અને હું આ ગુનાનો ભાગ બનવા માગતો નથી.42 વર્ષીય ગૌરવ વલ્લભ જોધપુર જિલ્લાના પીપાડ ગામના રહેવાસી છે. પીપાડમાં પ્રારંભિક શિક્ષણ પછી ગૌરવે પાલીના બાંગડ કોલેજથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ગૌરવ વલ્લભ અર્થતંત્રના સારા જાણકાર છે. તેઓ કોંગ્રેસ છોડીને રાજકારણમાં આવ્યા હતા.