નવી દિલ્હી- સાંસદ રમા દેવી લાંબા સમયથી લોકસભા સાંસદ છે. શિવહરથીએ ત્રીજીવાર ભાજપના સાંસદ તરીકે વિજયી બન્યાં હતાં. 2009થીએ અહીંથી સાંસદ છે. 25 જુલાઈએ સ.પા.ના સાંસદ આઝમ ખાને રમા દેવી પર અયોગ્ય ટીપ્પણી કરી હતી એટલે એ ફરી ચર્ચામાં છે. લોકસભા સ્પીકરની સીટ પર બેઠેલાં રમા દેવી સાંસદની કાર્યવાહીનું સંચાલન કરી રહ્યાં હતાં. 71 વર્ષી રમા દેવીએ બીજા સાંસદો સાથે આઝમ ખાનની સદસ્યતા રદ કરવાની માગ લોકસભા અધ્યક્ષ પાસે કરી છે.
અગાઉ રમા દેવીએ 1998માં રાજદની ટિકિટ પર બિહારના મોતિહારી પર ચૂંટણી લડીને ભાજપના રાધા મોહન સિંહને હરાવ્યાં હતાં. રમાના એમના પતિ અને બિહાર સરકારના મંત્રી બ્રિજબિહારી પ્રસાદની હત્યા થઈ ગયાં પછી રાજનીતિમાં પ્રવેશ્યાં હતાં. એમના પતિને દબંગ નેતા માનવામાં આવતાં હતાં. 1999માં રમા દેવી લોકસભાની ચૂંટણી હાર્યા હતાં અને 2000માં બિહાર વિધાનસભામાં પહેલીવાર વિધાયક તરીકે પ્રવેશ્યાં હતાં.
રાબડીદેવીના પ્રધાનમંડળમાં એ લોકનિર્માણ પ્રધાન રહ્યાં હતાં. 2009માં એ ભારતીય રાજકારણનું બદલાતું વાતાવરણ પારખી ગયાં હતાં અને રાજદ છોડી ભાજપમાં જોડાઈ ગયાં. 2009માં લોકસભા ચૂંટણીમાં રાજદના સીતારામ સિંહને હરાવી એ સંસદ પહોંચ્યાં. 2019ની ચૂંટણીમાં તો રમા દેવી ત્રણ લાખથી વધારે મતોથી ચૂંટણી જીત્યાં હતાં.
રમા દેવીના પતિ બ્રિજબિહારી સિંહ 1998માં બિહારની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ભરતી હતાં ત્યારે ભારે સુરક્ષા વચ્ચે એમને અપરાધીઓએ ત્યાં જ ગોળીઓથી વીંધી નાખ્યાં હતાં. 2017માં બિહારના મોટા ભાજપી નેતા સુશીલ કુમાર મોદીએ જાહેર કર્યું હતું કે રમા દેવીએ 1992માં લાલુના બે દીકરાઓના નામે મુજફ્ફરનગરમાં 13 એકર જમીન ભેટ કરી હતી. રમા દેવીએ પણ આ વાત સ્વીકારી હતી.
આજે પણ રમા દેવી પર છ પોલીસ કેસ ચાલી રહ્યાં છે. રમા દેવીની છબી પણ દબંગ નેતા જેવી જ છે. ગત લોકસભા ચૂંટણીમાં પણ મતદાનના એક દિવસ અગાઉ એમના કાર્યલયમાંથી સવા ચાર લાખ રૂપિયા જેટલી રોકડ જપ્ત થઈ હતી. એલ.એલ.બી. થયેલાં રમા દેવીની કુલ સંપત્તિ 30 કરોડ રૂપિયા જેટલી છે. ગત કાર્યકાળમાં રમા દેવીએ 134 ચર્ચામાં ભાગ લઈ 552 જેટલા પ્રશ્નો કર્યા હતા ઉપરાંત સાત પ્રાઈવેટ મેમ્બર બિલ સાંસદમાં રજૂ કર્યું હતું.