મહારાષ્ટ્રમાં દુર્ઘટનાઃ માલગાડી નીચે કચડાતાં 16 મજૂરનાં મોત

ઔરંગાબાદઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક ગમખ્વાર દુર્ઘટના બની છે. અહીં પાટા પર સૂતેલા પ્રવાસી મજૂરો પરથી ટ્રેન પસાર થતાં તેમનાં મોત થયાં છે. અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં આશરે 16 મજૂરોનાં મોત થયાં હતાં. આ મૃતકોમાં મજૂરોનાં બાળકો પણ સામેલ છે. આ ઘટનામાં બે મજૂરો ઇજાગ્રસ્ત છે, જેમાં એક મજૂરની ગંભીર હાલત છે. આ દુર્ઘટના કરમાડ પોલીસ સ્ટેશન પાસેની છે.

અહેવાલ અનુસાર પ્રવાસી મજૂરો રેલના પાટા પર સૂતા હતા અને માલગાડી એમની પરથી પસાર થઈ ગઈ હતી. આ મજૂરો ઊંઘમાં હોવાને કારણે કોઈને પાટા પરથી ભાગવાની તક નહોતી મળી. આ ઘટના આજે સવારે 5.22 કલાકે બની હતી. પોલીસ અધિકારીઓ અને બચાવ કામદારો ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ બધા મજૂરો એક સ્ટીલની ફેક્ટરીમાં કામ કરતા હતા. આ ઘટના બદનાપુર અને કરમાડની વચ્ચે થઈ હતી. આ બધા મજૂરો ઔરંગાબાદથી એમના વતન તરફ જતી ટ્રેન પકડવા માટે જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઈ રહ્યા હતા. મોડી રાત્રે થાકી જતાં તેઓ પાટા પર સૂઈ ગયા હતા. એમને એમ હતું કે હાલ ટ્રેનો બંધ છે તો પાટા પર સૂવામાં વાંધો નહીં આવે, પણ વહેલી સવારે એક માલગાડી અચાનક પસાર થતાં 16 મજૂરોનાં મોત થયાં હતાં.