નવી દિલ્હીઃ આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્દ્ર સરકાર આયુષ્માન ‘તમારે આંગણે’ ઝુંબેશ ચલાવી રહી છે. આ યોજના હેઠળ હવે સરકાર ઘેરેઘેર જઈને મફત પીવીસી કાર્ડ ઉપલબ્ધ કરાવી રહી છે. હાલ કોમન સર્વિસ સેન્ટર જઈને ઈ-કાર્ડ મળતું હતું, ત્યાં રૂ. 30 લાગતા હતા. આયુષ્માન યોજના હેઠળ દરેક પરિવારને સારવા માટે વર્ષમાં રૂ. પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ આપવામાં આવે છે.
શું છે આ ઝુંબેશ?
આ ઝુંબેશ હેઠળ તમારા ઘરે જઈને વિગતો લેવામાં આવશે અને પછી કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્ડ પીવીસી કાર્ડ મળશે. આમાં તમારાથી કોઈ નાણાં નહીં લેવામાં આવે. આ ઝુંબેશનો હેતુ આયુષ્માન ભારત સ્કીમ હેઠળ આવનારા લોકોનાં પાકાં કાર્ડ બની શકે, જેનાથી બીમારીના સમયે સારવાર થઈ શકે. આ સારવારમાં જેતે વ્યક્તિને વીમાના નાણાં મળી શકે. આ યોજના હેઠળ પ્રત્યેક પરિવારની સારવાર માટે રૂ. પાંચ લાખ આપવામાં આવે છે.
આ ઝુંબેશમાં રાજ્ય સરકારો ભાગ લઈ રહી છે. નેશનલ હેલ્થ મિશનના સીઈઓ આર. એસ.. શર્માએ જણાવ્યું હતું કે આ યોજના સફળ બનાવવા માટે સૌનું યોગદાન મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે છત્તીસગઢ, બિહાર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સારુ કામ થઈ રહ્યું છે. અત્યાર સુધી છત્તીસગઢમાં આશરે 28 લાખ કાર્ડ બનાવ્યાં છે. મધ્ય પ્રદેશમાં 1.12 લાખ, પંજાબમાં 39,000, યુપીમાં 1.53 લાખ, બિહારમાં 17,500, હરિયાણામાં 9600 અને જમ્મુ-કાશ્મીરમાં 13,800 કાર્ય બનાવ્યા છે.
દેશભરમાં આયુષ્માન ભારત યોજના હેઠળ 10 કરોડ પરિવાર આવરી લેવામાં આવ્યા છે, જેમાં સભ્યોની સંખ્યા 54 કરોડ છે. અત્યાર સુધી સવા કરોડ કાર્ડ બની શક્યા છે. વડા પ્રધાન મોદીનું જે વિઝન છે કે ગરીબના ખિસ્સા પર બોજ ન પડે એ માટે સરકાર ટેકો કરી રહી છે.