દુબઈઃ દુબઈમાં વિશ્વ સ્તર પર ડોક્ટરોના સેમિનારને નામે એક સાઇબર ઠગે દેશભરના જાણીતા ડોક્ટરોથી કથિત રૂપે રૂ. પાંચ કરોડની છેતરપિંડી કરી છે. નોએડા સાઇબર ક્રાઇમ પોલીસે આરોપી વિશાલ પાંડેની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી છે. પોલીસનો અત્યાર સુધી દેશનાં અનેક શહેરોના ડોક્ટરોએ સંપર્ક કરીને આ મામલે ફરિયાદ કરી છે. આરોપી વિશાલ પાંડેને દુબઈમાં વિશ્વ સ્તરે ડોક્ટરોનો સેમિનાર કરવાને નામે 18થી વધુ મશહૂર ડોક્ટરો સાથે કથિત રૂપે રૂ. પાંચ કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે.
સાઇબર ગુના સ્ટેશનના પ્રભારી નિરીક્ષક રીટા યાદવે જણાવ્યું હતું કે નોએડાની એક ખાનગી હોસ્પિટલના હાર્ટ સ્પેશિયલિસ્ટ ડોક્ટર મહકાર સિંહ ખારીએ 22 જૂન, 2022એ ફરિયાદ દાખલ કરી હતી કે વિશાલ પાંડે નામની વ્યક્તિએ દુબઈમાં ડોક્ટરોનો સેમિનાર કરાવવા તથા એમાં ભાગ લેવાની લાલચ આપીને કુલ રૂ. 18.72 લાખની છેતરપિંડી આચરી હતી. ફરિયાદકર્તાના જણાવ્યાનુસાર વિશાલે પેટીએમ, ફોનપે અને પોતાના ખાનગી એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યાં હતાં.
યાદવે જણાવ્યું હતું કે વિશાલની તપાસમાં માલૂમ પડ્યું હતું કે તે વર્ષ 2017માં ગ્લેન માર્ક કંપનીમાં ફાઇનાન્સ કન્ટ્રોલર ઓફિસરના પદે કાર્યરત હતો, પણ નોટબંધીમાં નોકરી જતી રહી હતી. ત્યાર બાદ તેણે ડોક્ટરો માટે બ્લેક મની એક્સચેંજ કરાવ્યું. ત્યાર બાદ તેણે છેતરપિંડીનું કાવતરું રચ્યું હતું અને ધીમે-ધીમે સેમિનાર અને વિદેશી ટુરને નામે છેતરપિંડી કરવા લાગ્યો.
વિશાલ ઓળખ છુપાવીને ડિસેમ્બર, 2021થી અલગ-અલગ રાજ્યોના ડોક્ટરોને છેતરી રહ્યો હતો. તપાસમાં માલૂમ પડ્યું હતું કે વિશાલે 18 ડોક્ટરો પાસેથી આશરે રૂ. પાંચ કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. તેની ધરપકડ પછી નોએડા સિવાય લખનઉ અને હૈદરાબાદથી પણ કેટલાક ડોક્ટરોએ સાઇબર પોલીસે સંપર્ક કર્યો છે અને સાઇબર ક્રાઇમ પોલીસે રૂ. 30 કરોડથી વધુની છેતરપિંડીની આશંકા છે.