નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને નવી જવાબદારી સોંપવામાં આવી છે. ઉર્જિત પટેલની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી (NIPFP)ના ચેરમેનપદે નિયુક્તિ કરવામાં આવી છે. ઉર્જિત પટેલ પહેલાં આ પદ પર વિજય કેળકર હતા. વિજય કેળકરે 2014માં આ પદ સંભાવ્યું હતું. ઉર્જિત પટેલ 22 જૂને NIPFPના ચેરમેનનું પદ સંભાળશે.
NIPFPએ આ વિશેની માહિતી આપતાં કહ્યું છે કે અમને એ વાતનો આનંદ છે કે રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ 22 જૂન, 2020થી ચાર વર્ષ માટે સંસ્થાના ચેરમેન તરીકે અમારી સાથે જોડાશે. NIPFPનો મુખ્ય ઉદ્દેશ જાહેર અર્થશાસ્ત્રથી સંબંધિત ક્ષેત્રોમાં નીતિ બનાવવામાં યોગદાન આપવું છે. આ સંસ્થાને નાણાં મંત્રાલય અને કેન્દ્ર સરકાર સિવાય વિવિધ રાજ્ય સરકારોથી વાર્ષિક અનુદાનની મદદ મળે છે.
ઉર્જિત પટેલે ગવર્નરપદેથી કાર્યકાળ પહેલાં રાજીનામું આપ્યું હતું
વર્ષ 2018ના ડિસેમ્બરમાં ઉર્જિત પટેલે રિઝર્વ બેન્કના ગવર્નરના કાર્યકાળ પૂરો થતાં પહેલાં જ રાજીનામું ધરી દીધું હતું. તેમણે આ રાજીનામું કેન્દ્રીય બેન્કના બોર્ડની મહત્ત્વપૂર્ણ બેઠક પહેલાં આપ્યું હતું. આ બેઠકમાં સરકારની સાથે મતભેદોને દૂર કરવા માટે વાતચીત થવાની હતી.
પટેલનો ત્રણ વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બર, 2019માં પૂરો થવાનો હતો. તેઓ બીજા કાર્યકાળ માટે પણ યોગ્ય વ્યક્તિ હતા. જોકે ઉર્જિત પટેલે રાજીનામું આપવા માટે વ્યક્તિગત કારણ જણાવ્યું હતું. ઉર્જિત પટેલના રાજીનામા પછી શક્તિકાંત દાસે રિઝર્વ બેન્કના ગવર્નર પદ સંભાળ્યું હતું.
નોટબંધીના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા
ઉર્જિત પટેલને જ્યારે રિઝર્વ બેન્કના ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા હતા, એના ત્રણ મહિનાની અંદર નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાછલા વર્ષે RTIમાં એ ખુલાસો થયો હતો કે નોટબંધીના નિર્ણયને લઈને RBIએ મોદી સરકારને ચેતવ્યા હતા. RBI એ તર્ક સાથે સહમત નહોતી કે બ્લેકમનીની લેવડદેવડ રોકડ દ્વારા થાય છે. RBIનું માનવું હતું કે બ્લેકમની રોકડને બદલે સોના અને રિયલ એસ્ટેટ જેવી સંપત્તિઓમાં લાગેલું છે.