ચંદીગઢઃ પંજાબમાં કોરોના વાયરસથી અન્ય એક દર્દીનું મોત થયું છે. સુવર્ણ મંદિર સાહિબના પૂર્વ હુજૂરી રાગી નિર્મલ સિંહનું નિધન થયું છે. તેઓ પદ્મશ્રીથી સન્માનિત હતા. 62 વર્ષના નિર્મલ સિંહને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હતો અને તેમની સારવાર કરવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. ત્યારે આ સાથે જ પંજાબ અને ચંદીગઢમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 5 થઈ ગઈ છે. આ સિવાય રાજ્યમાં એક અન્ય દર્દી કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે.
બુધવારના રોજ રાજ્યમાં પાંચ નવા કેસ સામે આવ્યા હતા. એક કેસ લુધિયાણા, એક અમૃતસર અને ત્રણ કેસ મોહાલીના છે. આમાં શ્રી હરિમંદીર સાહિબના 62 વર્ષીય પૂર્વ હુજૂરી રાગી પણ હતા. તેઓ થોડા મહિના પહેલા ઈન્ગ્લેન્ડથી પાછા ભારત આવ્યા હતા. તેમને અમૃતસર સ્થિત ગુરુનાનક દેવ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવાર અને બે ડ્રાઈવરોને અત્યારે ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
નિર્મલ સિંહ ચંદીગઢના સેક્ટર 27 માં 19 માર્ચના રોજ ગયા હતા. તેમણે અહીંયા એક ઘરમાં કિર્તન કર્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ કિર્તનમાં 60 થી 70 લોકો જોડાયા હતા. અત્યારે આ પરિવાર અને ઘરમાં કામ કરનારા 13 જેટલા લોકોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે તેમની તપાસ પણ અત્યારે કરવામાં આવી રહી છે.