નવી દિલ્હી – શનિવારે અવસાન પામેલા ભૂતપૂર્વ નાણાં પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (NDA)ના સંકટમોચક તરીકે જાણીતા થયેલા અરૂણ જેટલીનાં આજે બપોરે અહીં નિગમબોધ ઘાટ ખાતે સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એમના પુત્ર રોહને અગ્નિદાહ આપ્યો હતો. અંતિમસંસ્કાર વખતે જેટલીના પરિવારજનો ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ભાજપપ્રમુખ અને ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, અન્ય કેબિનેટ પ્રધાનો, ભાજપના ટોચના નેતાઓ, ટોચના વિપક્ષી નેતાઓ તથા હજારોની સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ અને જેટલીનાં પ્રશંસકો ઉપસ્થિત રહ્યાં હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ યાત્રા પર ગયા છે. જેટલીના અવસાનના સમાચાર એમને પેરિસમાં આપવામાં આવ્યા હતા. એમણે જેટલીના પત્ની સંગીતા તથા પુત્ર રોહન સાથે ફોન પર વાતચીત કરી હતી અને એમણે મોદીને કહ્યું હતું કે તેઓ એમની વિદેશ યાત્રા અટકાવે નહીં અને ચાલુ રાખે.
અરૂણ જેટલી લાંબા સમયથી બીમાર હતા અને અત્રેની એમ્સ હોસ્પિટલમાં એમણે શનિવારે બપોરે 12.07 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. એ 66 વર્ષના હતા. એમના પરિવારમાં એમના પત્ની સંગીતા, પુત્રી સોનાલી અને પુત્ર રોહન છે. અરૂણ જેટલીને ગઈ 9 ઓગસ્ટે શ્વાસ લેવામાં તકલીફ પડતાં એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ એમની તબિયત વધુ ને વધુ બગડી હતી. એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
ભાજપના વરિષ્ઠ નેતા અને અગાઉ સંરક્ષણ પદ પણ સંભાળી ચૂકેલા જેટલીના પાર્થિવ શરીરને આજે સવારે 11 વાગ્યે એમના નિવાસસ્થાનેથી ભાજપના મુખ્યાલય ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ, અન્ય રાજકીય પક્ષોના નેતાઓ, પ્રશંસકોએ એમના અંતિમ દર્શન કર્યા હતા.
બપોરે 1.30 વાગ્યે ભાજપ મુખ્યાલય ખાતેથી અંતિમ યાત્રા શરૂ કરવામાં આવી હતી.
જેટલીનું પાર્થિવ શરીર ગઈ કાલે અત્રે કૈલાશ કોલોની સ્થિત એમના નિવાસસ્થાને લાવવામાં આવ્યું હતું. ત્યાં કેન્દ્રીય પ્રધાનો, ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને પ્રશંસકોએ જેટલીના અંતિમ દર્શન કર્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભાજપ પ્રમુખ અને ગૃહ પ્રધાન અમિત શાહ, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહિત અને નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં અને પુષ્પચક્ર ચડાવ્યા હતા.